હુવેઈ લીક મુદ્દે ગેવિન વિલિયમસનની હકાલપટ્ટીઃ પેની મોરડોન્ટ ડિફેન્સ સેક્રેટરી

પ્રિઝન્સ મિનિસ્ટર રોરી સ્ટુઅર્ટને બઢતી આપી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી બનાવાયા

Wednesday 08th May 2019 02:20 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ યુકેના 5G નેટવર્કમાં ચીનની ટેલિકોમ જાયન્ટ હુવેઈ કંપનીની મદદ લેવાનો નેશનલ સિક્યોરિટી કાઉન્સિલનો નિર્ણય લીક કરી દેવાના મુદ્દે ગેવિન વિલિયમસનની ડિફેન્સ સેક્રેટરીના પદેથી હકાલપટ્ટી કરી છે અને તેમના સ્થાને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પેની મોરડોન્ટને નિયુક્ત કર્યાં છે, જેઓ દેશના પ્રથમ ડિફેન્સ સેક્રેટરી બનશે. બીજી તરફ, પ્રિઝન્સ મિનિસ્ટર રોરી સ્ટુઅર્ટને બઢતી આપી ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી બનાવાયા છે. જોકે, વિલિયમસન વિરુદ્ધ કોઈ પોલીસ તપાસનો આદેશ નહિ કરાય કારણકે તેમણે મિનિસ્ટર તરીકેની આચારસંહિતાનો જ ભંગ કર્યો છે, કાયદાનો ભંગ કર્યો નથી, તેમ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા જણાવાયું છે. જોકે, ગેવિન વિલિયમસને હુવેઈ લીકમાં પોતાની સંડોવણીનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ચર્ચાનો અહેવાલ ડેઈલી ટેલિગ્રાફ અખબારમાં જાહેર થઈ ગયા પછી વડા પ્રધાન થેરેસા મેએ તેની તપાસ કેબિનેટ સેક્રેટરી સર માર્ક સેડવિલને સોંપી હતી. આ તપાસમાં બહાર આવ્યું હતું કે ડિફેન્સ સેક્રેટરીએ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની ચર્ચાના દિવસે જ ડેઈલી ટેલિગ્રાફના રિપોર્ટર સ્ટીવન સ્વિનફોર્ડ સાથે ૧૧ મિનિટ ફોન પર વાતચીત કરી હતી. જોકે, વિલિયમસને બચાવમાં કહ્યું હતું કે તેમણે માત્ર બ્રિક્જિટ અને ટોરી લીડરશિપ વિશે જ વાત કરી હતી. કેબિનેટ સેક્રેટરીએ મારી સામે વેર વાળ્યું છે. ચીન સામે કડક વલણથી ટોરી નેતાગીરીની ભૂમિકા હાંસલ કરવાની વિલિયમસનની મહત્ત્વાકાંક્ષા પર હવે પાણી ફરી વળ્યું છે.

થેરેસા મેના ડેપ્યુટી ડેવિડ લિડિંગ્ટને કોમન્સને જણાવ્યું હતું કે જો પોલીસ ઓફિસિયલ સીક્રેટ્સ એક્ટનો ભંગ ગણી વિલિયમસન વિરુદ્ધ તપાસ કરે તો સરકાર મદદ કરશે પરંતુ, સરકાર ખુદ પોલીસને તપાસ સોંપશે નહિ. તેમણે હકાલપટ્ટી તરફ દોરી જતા પુરાવા જાહેર કરવાનું નકાર્યું હતું. બીજી તરફ, મેટ કમિશનર ક્રેસિડા ડિકે જણાવ્યું હતું કે કેબિનેટ ઓફિસ તેમની તપાસ અંગે પોલીસને માહિતી ન આપે ત્યાં સુધી તેઓ હુવેઈ લીક વિશે તપાસ કરી શકે નહિ. ઉલ્લેખનીય છે કે હુવેઈ નિર્ણય સામે હોમ સેક્રેટરી સાજિદ જાવિદ, ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ, ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સ તેમજ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પેની મોરડોન્ટ અને ડિફેન્સ સેક્રેટરી ગેવિન વિલિયમસને વિરોધ નોંધાવ્યો હોવાથી તેઓ શંકાના દાયરામાં હતાં.

ચુસ્ત બ્રેક્ઝિટીઅર હોવાં છતાં પ્રાઈમ મિનિસ્ટર તરીકે થેરેસા મેને સબળ સમર્થન આપનારાં પેની મોરડોન્ટ દેશના પ્રથમ મહિલા ડિફેન્સ સેક્રેટરી બન્યાં છે. તેમણે રોયલ નેવલ રિઝર્વિસ્ટ તરીકે સેવા આપેલી છે. પ્રિન્સ ચાર્લ્સના મિત્ર અને પૂર્વ આર્મી ઓફિસર રોરી સ્ટુઅર્ટ હવે મોરડોન્ટની ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરીની પૂર્વ ભૂમિકા નિભાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter