લંડનઃ ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા હિન્દુત્વના મૂલ્યો પર હુમલા કરવા માટે મહાત્મા ગાંધીની પ્રતિમાઓની તોડફોડ કે ચિતરામણ કરવાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતેની ગાંધીપ્રતિમા પર કરાયેલું ચિતરામણ ભારતીય કોમ્યુનિટી પર સીધો જ હુમલો છે. ભારતને બદનામ કરવાનો અથવા બ્રિટિશ એશિયનોને ડરાવવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ હોઈ શકે છે.
ગાંધીજયંતીના થોડા દિવસ અગાઉ જ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતેની કાંસ્ય ગાંધીપ્રતિમા પર રાષ્ટ્રપિતા ગાંધી, મોદી અને ભારતીયો આતંકવાદી હોવાનું સ્પ્રે કલરથી ખરાબ ચિતરામણ કરવામાં આવ્યું છે. આવું કૃત્ય શાંતિ અને અહિંસાના વૈશ્વિક પ્રતીક સમાન ગાંધીજીનું અપમાન છે એટલું જ નહિ, તેઓ જે મૂલ્યો માટે જાણીતા છે તેમનું પણ અપમાન થયું છે.
યુકેમાં ભારતીય હાઈ કમિશને આ કૃત્યને અહિંસાના વિચાર પર હિંસક હુમલો ગણાવીને વખોડ્યું છે અને પ્રતિમાના મૂળગૌરવને સ્થાપિત કરવા સ્થાનિક ઓથોરિટીઝ સમક્ષ આ મુદ્દો પણ ઉઠાવ્યો છે. યુકેમાં ગાંધીપ્રતિમાને ખરડવાની આ પ્રથમ ઘટના નથી.
2014માં લેસ્ટરમાં પણ ગાંધી પ્રતિમા સાથે આ પ્રકારની છેડછાડ કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ગાંધીપ્રતિમાને હટાવી દેવાની પણ હાકલો કરવામાં આવી હતી. બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરના ભારત પ્રવાસ અગાઉ રાજકીય દૃષ્ટિએ આ ઘટના સંવેદનશીલ બની રહેવાની શક્યતા છે. ભારતના રાષ્ટ્રપિતાના જન્મદિન ગાંધી જયંતીને યુનાઈટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. આ પ્રસંગના થોડા દિવસ પહેલા જ ચિતરામણની ઘટના શાંતિ અને એકતાના પ્રતીક સામે અશોભનીય કૃત્ય જ ગણાય. દર વર્ષે 2 ઓક્ટોબરે લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ, ટુંકા સંબોધનો અને ગાંધીજીને પ્રિય ભજનોના ગાન સાથેનો કાર્યક્રમ યોજાય છે જેમાં કોમ્યુનિટીના સભ્યો અને અગ્રણીઓ સામેલ થાય છે. આ વર્ષની ઊજવણીમાં ગાંધીપ્રતિમાના ખરાબ ચિતરામણનો ડાઘ લાગી ગયો છે. હાઈ કમિશને આ કૃત્યની ભારે નિંદા કરી વખોડ્યું છે.
ઈન્ડિયા લીગ વતી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીતમાં અલ્પેશ પટેલ OBEએ જણાવ્યું હતું કે યુકેમાં રહેલી ગાંધીપ્રતિમાઓ બ્રિટિશ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આના લીધે જ પ્રતિમાઓ ગોઠવાઈ છે. જેમણે આ પ્રતિમા સાથે દુર્વ્યવહાર કર્યો છે તેમણે દેશ છોડી દેવો જોઈએ, તેમનું સ્થાન બ્રિટનમાં નથી. ગાંધીજીની પ્રતિમાને ખરાબ ચિતરી છે તેમની માતાઓએ કાયરોનો જન્મ આપવા બદલ આંસું વહાવવા જોઈએ. ગાંધીજી પર તેમણે ગુસ્સો કાઢ્યો કારણકે તેઓ અડીખમ ઉભા રહ્યા, ભીખ ન માંગી, વિનંતીઓ ન કરી, હાથ-પગ જોડીને નતમસ્તક ન થયાં. કોઈ પણ મૂલ્યો ધરાવે છે તો ગમે તે રાષ્ટ્રીયતા કે ધર્મના હોય તેઓ પણ કહી શકે છે કે ‘હું હિન્દુસ્તાની છું’ તેઓ જીતી ગયા છે. તેમના મૂલ્યો નો વિજય થયો છે. અને તેઓ હંમેશાં વિજેતા રહેશે. રોષ ન ઠાલવશો. શ્રદ્ધા રાખજો.’ મેટ્રોપોલીટન પોલીસ અને કેમડેન કાઉન્સિલે ચિતરામણની ઘટનામા તપાસ હાથ ધરી છે.
ગાંધીજીની કાંસ્યપ્રતિમાનો ઈતિહાસ
ફ્રેડા બ્રિલિયન્ટ દ્વારા તૈયાર કરાયેલી મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમાનું અનાવરણ ગાંધીજીની 1969ની જન્મ શતાબ્દી અગાઉ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડનના કેન્દ્રમાં 1968માં કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ યુનિવર્સિટી કોલેજ લંડનમાં 1988થી 1991ના ગાળામાં ઈનર ટેમ્પલ બારમાં સ્થાન મેળવ્યા પહેલાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.
ઈન્ડિયા લીગના સહકાર સાથે મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી દ્વારા 17 મે 1968ના દિવસે બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર હેરોલ્ડ વિલ્સને ભારતની આઝાદી પછીના પ્રથમ હાઈ કમિશનર વિ.કે. કૃષ્ણમેનન અને તત્કાલીન હાઈ કમિશનર શાંતિ સ્વરૂપ ધવનની ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમા ચાર પગથિયાના ચોરસ પ્લેટફોર્મ પર પોર્ટલેન્ડ સ્ટોન પ્લિન્થ પર પદ્માસન અને ચિંતનાત્મક મુદ્રામાં ગોઠવાયેલી છે અને તેમાં મહાત્મા ગાંધી 1869-1948 લખવામાં આવ્યું છે.