હેકર્સ દ્વારા ગ્રાહકોની ડેટા ચોરીઃ બ્રિટિશ એરવેઝને વિક્રમી દંડ

Wednesday 10th July 2019 02:39 EDT
 
 

લંડનઃ ગત વર્ષે હેકર્સ દ્વારા બ્રિટિશ એરવેઝની વેબસાઈટ અને એપમાંથી ૩૮૦,૦૦૦ ગ્રાહકોનો ડેટા ચોરી કરાયાની ઘટનાને ગંભીર ગણી બ્રિટિશ ઈન્ફર્મેશન કમિશનરે એરલાઈન્સને ૧૮૩.૪ મિલિયન પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. કોઈ પણ કંપનીને કરાયેલો આ સૌથી મોટો દંડ છે.

બ્રિટિશ એરવેઝ દ્વારા સાઈબર એટેકની માફી માગવા સાથે અસરગ્રસ્ત પેસેન્જર્સને સંપૂર્ણ વળતર આપવાની ખાતરી દર્શાવતી આખા પાનાની જાહેરાતો બ્રિટિશ અખારોમાં પ્રસિદ્ધ કરાવી હતી. બ્રિટિશ ઈન્ફર્મેશન કમિશનરે કહ્યું હતું કે કંપની ઉપર ભરોસો રાખીને ગ્રાહક તેની અંગત વિગતો શેર કરે છે તેને સુરક્ષિત રાખવાની જવાબદારી કંપનીની બને છે. જો કંપની તેમાં નિષ્ફળ રહે તો તેને દંડ ફટકારવો જોઈએ. ગ્રાહકની અંગત વિગતો અંગત જ હોય છે અને તેને સુરક્ષિત રાખવી આવશ્યક છે.

બ્રિટિશ એરવેઝની પેરન્ટ કંપની ઈન્ટરનેશનલ એરલાઈન્સ ગ્રૂપ (IAG)ના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે ડેટા ચોરી પછી કંપનીએ તુરંત ગ્રાહકોની માફી માગી હતી અને સિસ્ટમ મજબૂત બનાવવાની કાર્યવાહી પણ કરી હતી. ડેટા ચોરી પછી કોઈ પણ ગ્રાહક સાથે છેતરપીંડી થયાનું સાબિત થયું ન હોવાથી કંપની ઉપર આટલો માતબર દંડ યોગ્ય નથી. IAG ની અન્ય ચાર એરલાઈન-એર લિન્ગસ, આઈરિયા, લેવલ અને વુએલિંગને હેકિંગની અસર થઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter