લંડનઃ લંડનમાં વધી રહેલા હેટ ક્રાઇમને નિયંત્રિત કરવા માટે મેયર સાદિક ખાને 1.8 મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે. લંડનના 30 કોમ્યુનિટી સેન્ટરને આ નાણાની ફાળવણી કરાશે અને તેઓ સમાજમાં વિભાજન સામે લડવા કાર્યક્રમોનું આયોજન કરશે.
સર સાદિક ખાને જણાવ્યું હતું કે, હું સમગ્ર રાજધાનીમાં સારા કામો માટે શક્તિશાળી પરિબળ તરીકે કોમ્યુનિટી સેન્ટરોની પુનઃ સ્થાપના કરવા માગુ છું. વિશ્વમાં જે રીતે હેટ ક્રાઇમ વધી રહ્યો છે તેનાથી હું ઘણો ચિંતિત છું. કોમ્યુનિટી સેન્ટરો હેટ ક્રાઇમ સામે અસરકારક પૂરવાર થઇ શકે છે.
મેયરે જણાવ્યું હતું કે, જ્યારે હું સડકો પર અને ઇન્ટરનેટ પર નફરત, ભય અને વિભાજનના બીજ વવાતા જોઉં છું ત્યારે મારું હૃદય વિચલિત બની જાય છે. વંશીય લઘુમતી સમુદાય, એલજીબીટીક્યૂ સમુદાય, દિવ્યાંગ, યહૂદી, હિન્દુ કે મુસ્લિમ સમુદાયનો લોકોને એવી અનુભૂતિ થાય છે કે તેમને કોઇ ચાહતું નથી અને તેથી તેઓ ભયની લાગણી અનુભવે છે.
તેમણે જણાવ્યું હતું કે સમાજ એકજૂથ થાય અને લોકો એકબીજાની નજીક આવી શકે તે માટે અમે સમગ્ર લંડનમાં નવી કોમ્યુનિટી સ્પેસનું નેટવર્ક તૈયાર કરી રહ્યાં છીએ અને તે માટે આગામી 3 વર્ષ સુધી ભંડોળ ફાળવવામાં આવશે.
મેટ્રો પોલિટન પોલીસના આંકડા અનુસાર લંડનમાં હેટ ક્રાઇમમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 12 મહિનામાં હેટ ક્રાઇમ બે ટકાના વધારા સાથે 22,178 પર પહોંચી ગયા હતા.

