લંડનઃ ઇંગ્લેન્ડ અને વેલ્સ માટે હાથ ધરાયેલા ક્રાઇમ સરવે અનુસાર ધર્મના આધારે થતા હેટ ક્રાઇમના પીડિતોમાં હિન્દુ સમુદાય બીજા ક્રમે આવે છે. લંડન એસેમ્બ્લીએ ચિંતા વ્યક્ત કરી છે કે પોલીસ વિભાગ દ્વારા હિન્દુઓ વિરુદ્ધ આચરાતા હેટ ક્રાઇમ અસરકારક રીતે રેકોર્ડ ન કરાતા નથી. તેથી લંડન એસેમ્બ્લી દ્વારા મેટ્રોપોલિટન પોલીસ સર્વિસને સ્થાનિક હિન્દુ સમુદાયો સાથે મળીને કામ કરવા અને હિન્દુ હેટ ક્રાઇમની ઘટનાઓની જાણ કરવા માટે પ્રોત્સાહન આપવા અપીલ કરાઇ છે. પોલીસ વિભાગને ધર્મના આધારે હેટ ક્રાઇમના વર્ગીકરણને સામેલ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
લંડન એસેમ્બ્લીમાં પ્રસ્તાવ રજૂ કરનાર કૃપેશ હીરાણી (એએમ)એ જણાવ્યું હતું કે, લંડન અને અન્ય પ્રદેશોમાં હિન્દુ વિરોધી ધિક્કારને કોઇ સ્થાન નથી. દુઃખની વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં અમારા સમુદાયને સહન કરવા પડતા હેટ ક્રાઇમમાં ચિંતાજનક વધારો થયો છે. હેટ ક્રાઇમના પીડિત સમુદાયોમાં હિન્દુ બીજા ક્રમે આવે છે તેમ છતાં પોલીસના આંકડામાં તેનો ઉલ્લેખ દેખાતો નથી જે દર્શાવે છે કે પોલીસે પહેલાં તો આ પ્રકારની ઘટનાઓ નોંધી તેની સારી રીતે તપાસ કરવી જોઇએ. મને એ વાતની ખુશી છે કે લંડન એસેમ્બ્લી આ મામલામાં મેટ્રોપોલિટન પોલીસને જવાબદાર ગણવા સમર્થન આપે છે જેથી અમારા સમુદાયનો પોલીસમાં વિશ્વાસ વધે.
લંડન એસેમ્બ્લીમાં પસાર કરાયેલ ઠરાવ
આ એસેમ્બ્લી તમામ લંડનવાસીઓને દીવાળીની શુભેચ્છા પાઠવે છે. એસેમ્બ્લી નોંધ લે છે કે હોમ ઓફિસ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આંકડા દર્શાવે છે કે 2022-23માં હેટ ક્રાઇમની 291 ઘટના નોંધાઇ હતી, જેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધાયેલી 3 ટકા એટલે કે 161 ઘટના હિન્દુ હેટ ક્રાઇમની હતી. જે અગાઉના વર્ષ કરતાં વધારો દર્શાવે છે. આ આંકડા એ પણ દર્શાવે છે કે વંશીય ભેદભાવ કે ધર્મના આધારે થતા હેટ ક્રાઇમની પોલીસ દ્વારા નોંધાયેલી ઘટનાઓમાં 2015 પછી વધારો જોવા મળ્યો છે. એસેમ્બ્લી નોંધ લે છે કે મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ ક્રાઇમ ડેશબોર્ડ પર ધર્મના આધારે થતા હેટ ક્રાઇમની સંખ્યાના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.
લંડન એસેમ્બ્લી એ વાતની પણ નોંધ લે છે કે 2022માં હિન્દુ હેટ ક્રાઇમની નોંધાયેલી ઘટનાઓ ઘણી ઓછી હોવા છતાં હેટ ક્રાઇમથી પીડિત સમુદાયોમાં હિન્દુ બીજા ક્રમે આવે છે. તેનો અર્થ એ છે કે પોલીસ દ્વારા હિન્દુ હેટ ક્રાઇમની ગંભીરતાથી નોંધ લેવાતી નથી.
એસેમ્બ્લી હિન્દુ હેટ ક્રાઇમની જાણ કરવા સ્થાનિક હિન્દુ સમુદાયને પ્રોત્સાહન માટે મેટ્રોપોલિટન પોલીસ સાથે મળીને કામ કરે.


