લંડનઃ ઈસ્લામી હેટ પ્રીચર અંજેમ ચૌધરીએ તેને ફરમાવાયેલી સાડા પાંચ વર્ષની જેલની સજામાંથી અડધી પૂરી કરતાં તેને બેલ્માર્શ જેલમાંથી લાઈસન્સ પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, જેલમાંથી છૂટકારા બાદ લંડનની સંખ્યાબંધ મસ્જિદોએ પોતાને ત્યાં ન આવવા જણાવ્યું હતું. બીજી બાજુ વ્હાઈટહોલના સૂત્રોએ જણાવ્યું હતું કે અંજેમં ચૌધરી ‘નિર્લજ્જ કાયર’ છે. તે પોતે યુદ્ધમાં જતા ગભરાતો હતો.
તા.૧૯ ઓક્ટોબરે ૨૫ કડક શરત પર જેલમાંથી છોડાયેલા ૫૧ વર્ષીય ચૌધરીને મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા મંજૂરી અપાય તેવી માત્ર એક જ મસ્જિદમાં જવાની પરવાનગી અપાઈ છે. ચૌધરીને કઈ મસ્જિદમાં જવું છે તેની યાદી આપવા જણાવાયું હતું. સત્તાવાળાઓએ તેણે યાદીમાં દર્શાવેલી મસ્જિદના ઈમામોને અંજેમ ચૌધરી તેમની મસ્જિદમાં આવે તો વાંધો છે કે નહીં તેવું પૂછતાં ઘણાં ઈમામોએ તેને આઈવકારવાનો ઈન્કાર કર્યો હતો. લંડનની અન્ય મસ્જિદોના ઈમામોએ જેલમાંથી તેના છૂટકારા અગાઉ જ અધિકારીઓનો સંપર્ક સાધીને જણાવ્યું હતું કે ચૌધરી તેમને ત્યાં આવે તેવું તેઓ ઈચ્છતા નથી.
એક સૂત્ર દ્વારા જણાવાયું હતું કે મુસ્લિમ સમાજ પણ અન્ય સમાજોની જેમ તેની ટીકા કરે છે.
જોકે, શુક્રવારે એક મસ્જિદે તેને પ્રવેશની મંજૂરી આપી હતી. ચૌધરી તેની નોર્થ લંડનની પ્રોબેશન હોસ્ટેલથી તે મસ્જિદ ગયો હતો અને રાત્રે ૯ વાગે પાછો ફર્યો હતો. તેને બાળકો સાથે વાતચીત ન કરવા અને ઈન્ટરનેટનો ઉપયોગ ન કરવા સહિતની શરતો પર મુક્ત કરાયો હતો.
બીજી બાજુ વ્હાઈટહોલના સૂત્રોએ જણાવ્યું હતું કે અંજેમ ચૌધરી ‘નિર્લજ્જ કાયર’ છે. તે પોતે યુદ્ધમાં જતા ગભરાતો હતો. સૂત્રોએ તેની મશ્કરી કરતાં કહ્યું હતું કે તેણે યુવાનોને સીરિયામાં લડાઈમાં જવા પ્રોત્સાહિત કર્યા હતા પરંતુ, તેણે પોતે ત્યાં જવાનો હંમેશા ઈન્કાર કર્યો હતો.


