લંડનઃ કંપનીઓ તેની કોર્પોરેટ પોલિસીના ભાગરૂપે તેના કર્મચારીઓ પર કામના સ્થળે હેડસ્કાર્ફ, ક્રોસ અને અન્ય ધાર્મિક પ્રતિકો પહેરવા પર પ્રતિબંધ લાદી શકે તેવો અભિપ્રાય યુરોપિયન કોર્ટના એડવોકેટ જનરલ જુલિયન કોકોટ્ટે આપ્યો હતો. તેનો વિરોધ કરતા સાંસદોએ ચેતવણી ઉચ્ચારી હતી કે કોકોટ્ટના આ મંતવ્યને લીધે પોતાના ધર્મની નિશાની દર્શાવવા માગતા બ્રિટિશ વર્કરો સાથે ભેદભાવ થઈ શકે.
જોકે, બ્રિટિશ સિક્યુરિટી કંપની G4Sને લગતા એક કેસના પ્રતિભાવમાં કોકોટ્ટે આપેલું આ ગાઈડન્સ કાયદેસર બંધનકર્તા નથી. ૨૦૦૬માં G4Sએ તેના બેલ્જિયમ ડિવિઝનની ઓફિસમાં હેડસ્કાર્ફ પહેરવાના અધિકારની માગણી કરતી મુસ્લિમ રિસેપ્શનિસ્ટ સમીરા અચબિતાને નોકરીમાંથી કાઢી મૂકી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેની માગણી લોકલ પોલિસી વિરુદ્ધની હતી. અચબિતાએ કંપનીમાં ત્રણ વર્ષ સુધી હેડસ્કાર્ફ પહેર્યા વિના ફરજ બજાવી હતી.


