લંડનઃ મેઇડનહેડના શિફોર્ડ ક્રેસેન્ટ ખાતે સ્ટોપ એન શોપ રિટેલ સ્ટોર ધરાવતા હેતલ પટેલ યુકેના રિટેલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ફેડના પ્રમુખપદે ચૂંટાઇ આવ્યા છે. આ સંગઠન યુકે અને આયર્લેન્ડના 9000 રિટેલર્સનું પ્રતિનિધિત્વ કરે છે. હેતલ પટેલ સંગઠનમાં સ્થાનિક, ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ પર વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યાં છે. બર્મિંગહામમાં આયોજિત ફેડની વાર્ષિક કોન્ફરન્સમાં પ્રતિનિધિઓએ તેમને પ્રમુખપદે ચૂંટી કાઢ્યા હતા.
હેતલ પટેલે જણાવ્યું હતું કે, આગામી વર્ષ માટે ફેડરેશનનું નેતૃત્વ કરવાની તક પ્રાપ્ત થઇ તેનું મને ગૌરવ છે. છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમય સ્વતંત્ર રિટેલર તરીકેનો અનુભવ અને 21 વર્ષથી ફેડના સભ્ય તરીકેની મારી સફર મારા જીવન અને કેરિયરમાં એક માઇલસ્ટોન બની રહી છે. હેતલ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન ફેડના સભ્યોને તમામ પ્રકારની સહાયનું વચન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આપણા વ્યવસાયો અલગ અલગ હોઇ શકે પરંતુ આપણી સમસ્યાઓ એકસમાન છે. અમે ઇચ્છીએ છીએ કે રિટેલ બિઝનેસને સન્માનની નજરે જોવામાં આવે.