લંડન
સમગ્ર વિશ્વના ગરીબ પરિવારોને પોષાય તેવી કિંમતનું હાથથી ચાલી શકે તેવું વોશિંગ મશીન તૈયાર કરનાર બ્રિટિશ શિખ ઇજનેર નવજોત સાહનીને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક દ્વારા પોઇન્ટ્સ ઓફ લાઇટ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા છે. નવજોતે તેમનો વોશિંગ મશીન પ્રોજેક્ટ 4 વર્ષ પહેલાં શરૂ કર્યો હતો. તેમના દ્વારા તૈયાર કરાયેલું હેન્ડ ઓપરેટેડ વોશિંગ મશીન વીજળી વિહોણા વિસ્તારોમાં પણ ઓપરેટ કરી શકાય છે. નવજોતને લખેલા અંગત પત્રમાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તમે સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વોશિંગ મશીનનો ઉપયોગ ન કરી શકતા હોય તેવા હજારો લોકોને મદદ કરવા તમારી ઇજનેરી કુશળતાનો ઉપયોગ કર્યો છે. તમારા દ્વારા વિકસાવાયેલું હેન્ડ ઓપરેટેડ વોશિંગ મશીન ગરીબ પરિવારોને સ્વચ્છ કપડાંનું ગૌરવ અપાવે છે અને તમે ઘણી મહિલાઓનો સમય બચાવવાનું કામ કર્યું છે. તમારા મશીનના કારણે તેઓ તેમના રોજગાર કે અભ્યાસમાં વધુ સમય આપી શકે છે.
સુનાકે પત્રમાં સાહનીને જણાવ્યું હતું કે, તમારા મશીન પલાયન કરી ગયેલા યુક્રેનના પરિવારોને પણ ઘણી મદદ કરી રહ્યાં છે. અન્યના જીવનના ધોરણો ઊંચા લાવવામાં તમારી ધગશ અમારા માટે પ્રેરણાદાયી છે.
વેક્યુમ ક્લિનર બનાવતી ડાયસન કંપનીના પૂર્વ કર્મચારી એવા સાહની તેમના કૌશલ્યનો ઉપયોગ ગરીબ પરિવારોના જીવન ધોરણ ઊંચા લાવવામાં કરવા ઇચ્છએ છે. દક્ષિણ ભારતની મુલાકાત સમયે એક ગરીબ મહિલાને હાથથી ઢગલાબંધ કપડાં ધોતી જોઇને તેમને આ મશીન વિકસાવવાનો વિચાર આવ્યો હતો.


