ભારતીય પરંપરામાં કહેવાય છે કે લગ્ન એ સાત જન્મોનું બંધન છે, પણ એકબીજા સાથે સાત દાયકા રહેવાનું સદ્ભાગ્ય પણ બહુ ઓછાને પ્રાપ્ત થતું હોય છે. જ્યારે આ યુગલ ૮૯ વર્ષથી સહજીવન માણે છે. ૧૯૨૫માં ૧૧ ડિસેમ્બરે આ યુગલે ઘરસંસાર માંડ્યો ત્યારે તેઓ ટીનેજર હતા. પુત્ર પોલ ચાંદ કહે છે કે માતા-પિતાનું આટલું લાંબુ લગ્નજીવન નિહાળીને અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કરમચંદ અને કરતારી ભારતથી ઇંગ્લેન્ડ આવીને સ્થાયી થયા બાદ સાત દસકા કરતાં વધુ સમયથી બ્રેડફર્ડ સ્થિત મકાનમાં વસે છે. કરમચંદ-કરતારી દંપતી આઠ સંતાનો, ૨૭ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ અને તેમના પણ સંતાનોનો હર્યોભર્યો પરિવાર ધરાવે છે.
૧૯૬૫માં યુકે આવીને વસેલા કરમચંદે ભૂતકાળમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે તમને જે કંઇ ઇચ્છા થાય તે બધું ખાઓ અને પીઓ, પણ બધું પ્રમાણસર કરો. મેં જિંદગી માણવામાં ક્યારેય પાછી પાની કરી નથી.’ એક અહેવાલ અનુસાર, નિવૃત્ત મિલવર્કર કરમચંદ દરરોજ સાંજના ભોજન પહેલાં એક સિગારેટ પીએ છે અને અઠવાડિયે ત્રણથી ચાર વખત વ્હીસ્કી કે બ્રાન્ડી પીએ છે.
કરતારીએ એક અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમે હંમેશા આખું ધાન ખાઇએ છીએ, અમારા ભોજનમાં કંઇ આર્ટિફિશ્યલ હોતું નથી... માખણ, દૂધ અને તાજું દહીં અમને બહુ પસંદ છે. અમે જાણીએ છીએ કે ૮૬ વર્ષનું લગ્નજીવન આશીર્વાદ છે, પણ આની સાથોસાથ અમે ગમે તે ઘડીએ વિદાય માટે પણ તૈયાર છીએ. બધું ઇશ્વરની ઇચ્છાને આધીન છે, પણ ખરેખર અમે સારું જીવન જીવ્યા છીએ. અમે એકબીજા સાથે રહીએ છીએ અને અમે પરિવારકેન્દ્રી છીએ. ખરેખર આ બહુ સરળ છે.’