હેમન્ડે નાણાકીય સુવિધાઓ કરપાત્ર બનાવી, લિવિંગ વેજ વધશેઃ હવેથી ઓટમમાં બજેટ

Wednesday 30th November 2016 07:31 EST
 
 

લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડે મિનિ બજેટ- ઓટમ સ્ટેટમેન્ટમાં એક બિલિયન પાઉન્ડ એકત્ર કરવા માટે મધ્યમવર્ગીય નોકરિયાતોને મળતી મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ, જીમના સભ્યપદ અને પ્લેસ્ટેશન્સ સહિતની નાણાકીય સુવિધાઓને આગામી એપ્રિલથી ટેક્સના દાયરામાં લઈ લેતા મોટો આંચકો આપ્યો છે. જોકે, હેમન્ડે એપ્રિલ મહિનાથી ૨૫ વર્ષથી વધુ વયના માટે નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૭.૨૦ પાઉન્ડથી વધારી ૭.૫૦ પાઉન્ડ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે સતત સાતમા વર્ષે ફ્યુલ ડ્યુટી સ્થગિત રાખી પેટ્રોલની વધતી કિંમતો પર અંકુશ રાખવા પ્રયાસ કર્યો છે. આ પગલાંથી લોકોને ૮૫૦ મિલિયનની રાહત મળશે. હેમન્ડે યુએસ અને જર્મનીની સરખામણીએ યુકેની ઉત્પાદકતા ૩૦ ટકા ઓછી હોવાનું જણાવ્યું હતું અને આ માટે ૨૩ બિલિયન પાઉન્ડના નવા ફંડની જાહેરાત કરી હતી. તેમણે ગ્રામર સ્કૂલ્સને વિસ્તરણ માટે આગામી ચાર વર્ષ સુધી દર વર્ષે વધારાના ૫૦ મિલિયન પાઉન્ડ આપવા તેમજ માર્ગ સુધારણા માટે ૧.૩ બિલિયન પાઉન્ડ ખર્ચવાની પણ જાહેરાત કરી છે. ચાન્સેલરે મહત્ત્વની જાહેરાતમાં ૨૦૧૭થી ઓટમ સ્ટેટમેન્ટને મુખ્ય બજેટ બનાવવાની જાહેરાત કરી છે. હવે, દેશમાં સ્પ્રિંગ બજેટમાં અર્થતંત્રના હાલ વિશે માહિતી અપાશે અને તેમાં ટેક્સીસ અને ખર્ચા વિશે ખાસ નિર્ણયો નહિ હોય.

મિડલ ક્લાસના પર્ક્સ હવે ટેક્સને પાત્ર

મિડલ ક્લાસ વર્કર્સને મોબાઈલ ફોન્સ, કંપની કાર, આરોગ્ય સંભાળ, જીમના સભ્યપદ અને પ્લેસ્ટેશન્સ સહિતની નાણાકીય સુવિધાઓ થકી જે લાભ મળતો હતો તેને ટેક્સેબલ બનાવી ચાન્સેલરે કોરડો વીંઝ્યો છે. તેઓ આમાંથી એક બિલિયન પાઉન્ડ મેળવવા ધારે છે. જે કર્મચારી આવી સુવિધાના બદલે પગારનો થોડો હિસ્સો જતો કરવા તૈયાર હતા તેઓ આગામી વર્ષથી દંડિત થશે. આ પગલાંનો અર્થ એ છે કે આવી સવલતો મેળવતા રહેવું હશે તો તેમણે ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં સેંકડો પાઉન્ડ વધુ ચુકવવા પડશે. બીજી તરફ, કંપનીઓને પણ આવી સવલતો ઓફર કરવાનું પરવડશે નહિ તેથી આ લાભ રદ થઈ જશે. ટીકાકારોએ જણાવ્યું હતું કે ઓછો પગાર ધરાવતા લાખો વર્કર્સ બે છેડાં મેળવવા માટે આ સવલતો પર આધાર રાખતા હતા તેઓ મુશ્કેલીમાં આવી જશે.

મિડલ વર્કરને પર્ક્સથી ૨૩૫ મિલિયન પાઉન્ડનું નુકસાન

એકાઉન્ટન્સી ફર્મ ડેલોઈટના જણાવ્યા અનુસાર વાર્ષિક ૩૦,૦૦૦ પાઉન્ડનું વેતન મેળવનાર કર્મચારી જીમનું સભ્યપદ મેળવવા માસિક ૩૦ પાઉન્ડ જતા કરતા હોય તેમણે ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં વાર્ષિક ૧૧૫ પાઉન્ડ વધારાના ચુકવવાના થશે. વર્તમાન નિયમો અનુસાર કંપની કાર, મોબાઈલ ફોન્સ અથવા જીમના સભ્યપદ જેવાં લાભ મેળવવાના બદલામાં પગારનો થોડો હિસ્સો જતો કરી શકે છે. સવલતો મેળવનાર કર્મચારી અને આપનાર નોકરીદાતા તેમના કરપાત્ર આવકમાંથી ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં કપાત મેળવી શકે છે. આવી યોજના હેઠળ ઓફર કરાતી કેટલીક સવલતો પર ટેક્સ લેવાતો જ નથી અથવા વર્કરના ચોક્કસ ઈન્કમ ટેક્સ દર કરતા ઘણા નીચાં પ્રમાણમાં તે ચુકવવાના થાય છે. એમ્પ્લોયર્સ પણ ઓછાં લેવાયેલાં પગાર પર નેશનલ ઈન્સ્યુરન્સ ચુકવવામાંથી બચે છે. આ યોજના અન્વયે બેઝિક રેટ કરદાતા એમ્પ્લોયર દ્વારા ફોન કોન્ટ્રાક્ટ માટે પગારમાંથી ૭૦૦ પાઉન્ડ જતાં કરે તો તેમના પગાર પરના ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સમાં વાર્ષિક ૨૨૪ પાઉન્ડ અને તેમનો એમ્પ્લોયર નેશનલ ઈન્સ્યુરન્સમાં વાર્ષિક ૯૭ પાઉન્ડ બચાવી શકે છે. જોકે, સરકાર માને છે કે આ રાહતના દુરુપયોગથી ટ્રેઝરીને વર્ષે ૨૩૫ મિલિયન પાઉન્ડનું નુકસાન જાય છે.

સરકારને આ પગલાથી આવતા વર્ષે ૮૫ મિલિયન પાઉન્ડની બચત થશે અને ૨૦૨૧-૨૨માં તે વધીને ૨૬૦ મિલિયન પાઉન્ડ થશે. તદ્દન ઓછાં એમિશન્સની કંપની કાર, પેન્શન્સમાં ફાળો અને આવવા-જવા માટે બાઈસિકલ ટેક્સને પાત્ર નહિ રહે. કાર, એકોમોડેશન અને સ્કૂલ ફીમાં પગારના હિસ્સાના બલિદાનની આ વ્યવસ્થા ૨૦૨૧ સુધી સંરક્ષિત રખાશે.

હવેથી મુખ્ય બજેટ ઓટમમાં રજૂ કરાશે

ટેક્સ યરના અંત પહેલા ફેરફારોના અમલ માટે વધુ સમય મળી રહે તે માટે બે દાયકામાં સૌપ્રથમ વખત બજેટ ઓટમમાં રજૂ કરાશે. આશ્ચર્યકારી પગલામાં ફિલિપ હેમન્ડે જાહેર કર્યું હતું કે વાર્ષિક અર્થતંત્ર સંબંધિત ઓટમ સ્ટેટમેન્ટ પડતું મુકાશે અને આગામી વર્ષથી બજેટ ઓટમમાં રજૂ કરાશે. ચાન્સેલર સ્પ્રિંગમાં ઈકોનોમીના હાલ વિશે અપડેટ આપવાનું ચાલુ રાકસે. જોકે, ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્પ્રિંગ બજેટ ટેક્સીસ અને ખર્ચવિષયક નિર્ણયોને સાંકળતી મહત્ત્વની ઘટનાના બદલે ચીલાચાલુ બાબત જ બની રહેશે. હેમન્ડે જણાવ્યું હતું કે ૨૦૧૭માં સ્પ્રિંગ બજેટ અને ઓટમ બજેટ જોવા મળશે, જે વ્યાપક સ્થિરતા-ચોકસાઈ આપશે.

સાતમા વર્ષે પણ ફ્યુલ ડ્યુટી ફ્રીઝ

પમ્પ્સ પર વધતાં ભાવ પર અંકુશ રાખવા સતત સાતમા વર્ષે પણ ફ્યુલ ડ્યુટીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ચાન્સેલરે જણાવ્યું હતું કે આ પગલાથી લોખો મહેનતુ લોકોને ફાયદો થશે અને આગામી વર્ષે ૮૫૦ મિલિયન પાઉન્ડની કરરાહત ગણાશે. ચાન્સેલરે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૧૧માં ફ્યુલ ડ્યુટી ૫૭.૯૫ પેન્સના દરે ફ્રીઝ કરાયા પછી કાર ડ્રાઈવરને વાર્ષિક ૧૩૦ પાઉન્ડ અને વાન ડ્રાઈવરને વાર્ષિક ૩૫૦ પાઉન્ડની બચત થઈ છે. મોટરિસ્ટ કેમ્પેઈનર્સે નિરાશા દર્શાવતા જણાવ્યું છે કે ચાન્સેલરે ફ્યુલ ડ્યુટીમાં કાપ જાહેર કરવો જોઈતો હતો. ડ્યુટી સ્થગિત રાખવાથી જે બચત થશે તે ઈન્સ્યુરન્સ પ્રીમિયમ ટેક્સ વધવાથી ધોવાઈ જશે. જોકે, આ પગલાથી ટ્રેઝરીને આગામી પાંચ વર્ષમાં ૪.૩ બિલિયન પાઉન્ડથી વધુ બોજો સહન કરવાનો આવશે.

જાન્યુઆરી મહિનાથી ફેમિલી કારને ફિલિંગ કરાવવાના ખર્ચમાં પાંચ પાઉન્ડ જેટલો વધારો થયો છે અને પેટ્રોલની કિંમત ૨૬ ડોલરના તળિયેથી વધી ૫૦ ડોલર સુધી વધી છે. આ જ સમયગાળામાં ઓઈલ માટે ઉપયોગમાં લેવાતી કરન્સી ડોલર સામે પાઉન્ડના મૂલ્યમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે. પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૨.૬૯ પેન્સથી વધી ૧૧૪.૭૭ પેન્સ જ્યારે, ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૧૦૫.૯૯ પેન્સથી વધી ૧૧૬.૮ પેન્સ થયો છે.

ઉત્પાદકતામાં બ્રિટન ઘણું પાછળ

ચાન્સેલર હેમન્ડે જણાવ્યું હતું કે બ્રિટન ઉત્પાદકતાના મામલે યુએસ અને જર્મનીથી ૩૦ ટકા, ફ્રાન્સથી ૨૦ ટકા અને ઈટાલીથી આઠ ટકા પાછળ છે. બ્રિટનમાં ઉત્પાદકતા એટલી નબળી છે કે જે કામ કરતા જર્મન વર્કરને ચાર દિવસ લાગે તે બ્રિટિશ વર્કર પાંચ દિવસમાં કરે છે. આ સમસ્યા હલ કરવા ૨૩ બિલિયન પાઉન્ડનું નવું નેશનલ પ્રોડક્ટિવિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ રચાશે, જે આગામી પાંચ વર્ષમાં ઈનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરશે. આ ખર્ચમાં ૪.૭ બિલિયન સાયન્સ અને ઈનોવેશન પ્રોજેક્ટ, ૭૦૦ મિલિયન અલ્ટ્રા-ફાસ્ટ 5G મોબાઈલ નેટવર્ક્સ, ૪૦૦ મિલિયન ઈનોવેટિવ સ્ટાર્ટ-અપ્સ પેઢીઓ તેમજ બિલિયન્સ પાઉન્ડ નવા ઘર અને ટ્રાન્સપોર્ટના ખર્ચનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે જો બ્રિટન તેની ઉત્પાદકતામાં વાર્ષિક એક ટકાનો પણ વધારો કરી શકે તો એક દાયકામાં અર્થતંત્રના કદમાં ૨૪૦ બિલિયન પાઉન્ડનો અથવા બ્રિટનના દરેક પરિવાર માટે ૯,૦૦૦ પાઉન્ડનો ઉમેરો થશે.

જી-૨૦માં સૌથી ઓછો બિઝનેસ ટેક્સ

હેમન્ડ ૨૦૨૦ સુધીમાં કોર્પોરેશન ટેક્સ ૨૦ ટકાથી ઘટાડી ૧૭ ટકા કરવાના મુદ્દાને વળગી રહ્યા હતા. જોકે, યુએસના વરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બિઝનેસ ટેક્સ ૧૫ ટકા કરવાની જાહેરાત કરી છે ત્યારે હેમન્ડ વધુ મોટી જાહેરાત કરે તેવી આશા પર પાણી ફરી વળ્યું હતું. સરકારે ૨૦૧૦થી ૨૮ ટકાના કોર્પોરેશન ટેક્સમાં કાપ મૂકી ૨૦ ટકા કર્યો હતો.

નેશનલ લિવિંગ વેજમાં ૩૦ પેન્સનો વધારો

હેમન્ડે એપ્રિલ મહિનાથી ૨૫થી વધુ વયનાઓ માટે નેશનલ લિવિંગ વેજમાં ૩૦ પેન્સના વધારાની જાહેરાત કરી હતી. આમ, લિવિંગ વેજ પ્રતિ કલાક ૭.૨૦ પાઉન્ડના બદલે ૭.૫૦ પાઉન્ડ થશે. આ વધારો ૧૦ પેન્સ ઓછો છે પરંતુ, સપ્તાહના ૩૮ કલાકના વેતનમાં વાર્ષિક લગભગ ૬૦૦ પાઉન્ડનો વધારો કરશે.

ટ્રાફિક જામ ઘટાડવા માર્ગ સુધારણા માટે £૧.૩ બિલિયન

બ્રિટનમાં ટ્રાફિક જામ પાછળ ખર્ચાતો સમય અર્થતંત્રને બિલિયન્સ પાઉન્ડનું નુકસાન પહોંચાડી ઉત્પાદકતા ઘટાડે છે. માર્ગો પરની ભીડ ઓછી કરવા અને સ્થાનિક માર્ગોને અપગ્રેડ કરવા પાછળ ૧.૧ બિલિયન અને ઈંગ્લેન્ડના મોટરવેઝ અને બિઝી જંક્શન્સની સમસ્યા હલ કરવા ૨૨૦ મિલિયનની ફાળવણી કરવામાં આવશે. હેમન્ડે જણાવ્યું હતું કે નોર્થમાં ટ્રાન્સપોર્ટ લિન્ક સુધારવા આગામી પાંચ વર્ષમાં ૨૩ બિલિયન પાઉન્ડ ખર્ચાશે. ઓક્સફર્ડ, મિલ્ટન કીનેસ અને કેમ્બ્રિજને સાંકળતા ૨૭ મિલિયન પાઉન્ડના એક્સપ્રેસવે માટે મંજૂરી આપી દેવાઈ છે. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજને સાંકળતી સૂચિત ઈસ્ટ-વેસ્ટ રેલ લાઈન માટે ૧૧૦ મિલિયન પાઉન્ડના ભંડોળની પણ હેમન્ડે જાહેરાત કરી હતી.

મુખ્ય વિસ્તારોમાં હાઉસિંગ માટે £૨.૩ બિલિયન

ભારે ડીમાન્ડ ધરાવતા વિસ્તારોમાં નવા ૧૦૦,૦૦૦ મકાનો બાંધવામાં ૨.૩ બિલિયન પાઉન્ડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મદદ કરશે. આ ઉપરાંત, પરવડી શકે તેવા વધારાના ૪૦,૦૦૦ ઘર ખરીદવા કે ભાડે આપવા માટે બીજા ૧.૪ બિલિયન પાઉન્ડ અપાશે. સ્થાનિક કાઉન્સિલો ભંડોળ મેળવવા બોલી લગાવી શકશે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યાં કરવો તેનો નિર્ણય કરી શકશે. ઘરના પ્રકાર પર નિયંત્રણ રાખતા નિયમો હળવાં બનાવાશે.

મોડર્ન ગ્રામર સ્કૂલ્સ માટે એકસ્ટ્રા £૫૦ મિલિયન

ગ્રામર સ્કૂલ્સના વિસ્તરણ માટે આગામી ચાર વર્ષ માટે વાર્ષિક વધુ £૫૦ મિલિયન ફાળવણી થશે. આનો અર્થ એ છે કે પ્રવર્તમાન સારી સિલેક્ટિવ સ્કૂલ્સ પેરન્ટ્સની માગણી હશે તો પડોશના નગરોમાં પૂરક શાળાઓ બાંધી શકશે. મિનિસ્ટરોએ સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં શિક્ષણ માટે ૧૦ મિલિયન પાઉન્ડની બાંહેધરી આપી છે. ટોની બ્લેરે ૧૯૯૮માં નવી ગ્રામર સ્કૂલ્સ પરલગાવેલો પ્રતિબંધ ઉઠાવવા થેરેસા મે વિચારી રહ્યાં છે.

જેલમાં હિંસા અને ડ્રગ્સના સામના માટે વધુ £૫૦૦ મિલિયન

દેશની જેલોમાં હિંસા અને ડ્રગ્સની નશાખોરીનું પ્રમાણ વધી જતા તેના સામના સામે વધુ ૫૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસને કરવામાં આવશે. પ્રિઝન અધિકારીઓની ઘટતી સંખ્યાની ફરિયાદોના પગલે ૨,૫૦૦ વધુ ફ્રન્ટલાઈન પ્રિઝન અધિકારીઓ માટે વાર્ષિક ૧૦૪ મિલિયન પાઉન્ડનું ભંડોળ ઉભુ કરાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સની ભરચક જેલોમાં હિંસા, ડ્રગ એબ્યુઝ અને રમખાણો, કૌભાંડો, નબળી સુરક્ષાની ઘટનાઓ મોટા પાયે બહાર આવી છે. ખાસ નોંધવાનું કે ઓસ્બોર્નના માર્ચ બજેટમાં મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસને પાંચ વર્ષમાં ૧૫ ટકાના બજેટ કાપની ફરજ પડાઈ હતી.

નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં માર પડ્યો

સરકારે ૪૦ પેન્સના ટેક્સ માટે ઈન્કમ ટેક્સની જાળમાં આવવાની મર્યાદા ૪૩,૦૦૦ પાઉન્ડથી વધારી ૪૫,૦૦૦ પાઉન્ડ કરી છે. આ ફેરફારથી વર્ષે ૪૦૦ પાઉન્ડની બચત થશે તેમ કહેવાયું હતું. જોકે, કરદાતાએ પગારના જે લેવલે ૧૨ ટકા નેશનલ ઈન્સ્યુરન્સ ફાળો ચુકવવો પડે છે તે મર્યાદા ૪૩,૦૦૦ પાઉન્ડથી વધારી ૪૫,૦૦૦ પાઉન્ડ કરાઈ છે. અત્યારે ઊંચી આવક રળનારાએ ૪૩,૦૦૦ પાઉન્ડ સુધી ૧૨ ટકા અને તે પછી ૨ ટકાના ધોરણે ચુકવવો પડે છે. પરંતુ હવે સમગ્ર રકમ માટે ૧૨ ટકાના ધોરણે ફાળો ચુકવવો પડશે. આમ, ૨૦૦ પાઉન્ડના છુપા ટેક્સનો માર કરદાતાએ સહન કરવો પડશે અને વાસ્તવિક લાભ ૪૦૦ નહિ, ૨૦૦ પાઉન્ડનો જ મળશે. આ પગલાથી ટ્રેઝરીને વધારાના એક બિલિયન પાઉન્ડની આવક થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter