હેરી અને મેગન ઓપ્રાહ વિન્ફ્રેને ઈન્ટર્વ્યૂમાં શાહી જીવન છોડવાની પેટછૂટી વાતો કહેશે

• સસેક્સ દંપતીએ આર્ચી ટુંક સમયમાં મોટા ભાઈ બનશે તેમ જણાવી બીજા સંતાનના આગમનની જાહેરાત કરી

Wednesday 17th February 2021 04:45 EST
 
 

ન્યૂ યોર્ક, લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ, પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ ૭ માર્ચે ઓપ્રાહ વિન્ફ્રે સાથે ૯૦ મિનિટના સ્પેશિયલ ઈન્ટર્વ્યૂમાં શાહી જીવનથી છેડો ફાડવા બાબતે લંબાણથી પેટછૂટી વાત કરશે. બકિંગહામ પેલેસ માહિતીઓના આ ઘટસ્ફોટનો સામનો કરવા તૈયારી કરી રહેલ છે. દરમિયાન, સસેક્સ દંપતીએ તેમનો પુત્ર આર્ચી ટુંક સમયમાં મોટા ભાઈ બનશે તેમ જણાવી તેમને ત્યાં બીજા સંતાનના આગમનની જાહેરાત કરી છે.

પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ યુએસ નેટવર્ક CBS પર ચેટ શો હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે સાથે ૯૦ મિનિટનો ટેલિવિઝન ઈન્ટર્વ્યૂ કરવાના છે જેમાં તેઓ સીનિયર રોયલ્સ તરીકેની ભૂમિકા છોડવાના કારણો વિશે જણાવશે. ઉલ્લેખનીય છે કે બકિંગહામ પેલેસને CBS દ્વારા કોઈ આગોતરી ચેતવણી આપી નથી અને તેમને ટ્વીટર મારફત જ આ ઈન્ટર્વ્યૂ વિશે જાણકારી મળી છે.

હેરી (૩૬) અને મેગન (૩૯)ના લગ્ન મે ૨૦૧૮માં થયા ત્યારે છેલ્લી ઘડીએ મહેમાન તરીકે વિન્ફ્રેનું આગમન થયું ત્યારથી જ મેગન યુએસ ચેટ શોની ક્વીનને ઈન્ટર્વ્યૂ આપશે તેવી અટકળો ચાલતી રહી છે. ચેટ શોમાં પ્રિન્સ હેરી જોડાય તે પહેલા મેગન ખુલ્લા દિલે શાહી પરિવારના અન્ય સભ્યો સાથે સંબંધોની ચર્ચા કરશે. આ ઈન્ટર્વ્યૂથી સસેક્સ દંપતી અને શાહી પરિવાર વચ્ચેની ખાઈ વધી જશે. અહેવાલો જણાવે છે કે ક્વીન સસેક્સ દંપતીને તેમના બાકીના રોયલ પેટ્રોનેજને છોડવા જણાવી શકે છે. આના પરિણામે, હેરી તેના ત્રણ માનદ મિલિટરી ટાઈટલ્સ ગુમાવશે તેમજ કદાચ રગ્બી ફૂટબોલ યુનિયન, રગ્બી ફૂટબોલ લીગ અને લંડન મેરેથોન સાથેની ભૂમિકા પણ ગુમાવશે.

૭ માર્ચે રજૂ થનારો ઈન્ટર્વ્યૂ બે ભાગમાં હશે જેમાં મીડિયા સ્ટાર વિન્ફ્રે ડચેસને ‘શાહી જીવનમાં પ્રવેશ, લગ્ન, માતૃત્વ પરોપકારના કાર્યોથી માંડી તીવ્ર પબ્લિક પ્રેશર હેઠળ જીવન કેવી રીતે વીતાવ્યું સહિત તમામ બાબતો વિશે પ્રશ્નો કરશે. આ પછી, તેમની સાથે હેરી જોડાશે અને યુએસમાં સ્થળાંતર તેમજ ભાવિ યોજનાઓ વિશે જણાવશે.

પ્રિન્સ હેરી અને મેગન ફરી પેરન્ટ બનશે

મેગન મર્કેલ અને પ્રિન્સ હેરીએ તેમના બીજા સંતાનના આગમનની જાહેરાત કરી છે. આ બાળક ૨૦૨૧ના જૂન કે આસપાસમાં આવી શકે છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે એક વૃક્ષ નીચે બેસી શાંતિની પળો ગુજારતો પોતાનો બ્લેક અને વ્હાઈટ ફોટો શેર કરવા સાથે આર્ચી ટુંક સમયમાં મોટો ભાઈ બનશે તેવા સમાચાર પણ આપ્યા હતા. દંપતીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ તેમના બીજા સંતાનના આગમન બાબતે ઘણી ખુશી અનુભવી રહ્યાં છે. જોકે, આ સમાચાર જાહેર થઈ જતા બ્રિટિશ શાહી પરિવારે આંચકો અનુભવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મેગને પ્રિન્સ હેરી સાથે તાજેતરના વીડિયોઝમાં સગર્ભાવસ્થા છુપાવવા ઘણી ટ્રીક્સ અપનાવી હતી. પ્રિન્સ હેરીના દાદીમા ક્વીન એલિઝાબેથ દ્વિતીયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર પરિવારને આ સમાચારથી આનંદ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter