લંડનઃ સસેક્સ દંપતીના ઓપ્રાહ વિન્ફ્રે સાથે પ્રસારિત ઈન્ટરવ્યૂ પછી પ્રિન્સ હેરી અને મેગનને જ નુકસાન થશે તેમ એક સર્વેનું તારણ જણાવે છે. ઈન્ટરવ્યૂ પછી Piplsay દ્વારા આ વાતચીતથી બ્રિટિશ મતને શું અસર થઈ તે જાણવા ૧૨,૦૩૭ લોકોનો પોલ કરાયો હતો. આ મતદાનમાં ૫૦ ટકા લોકોએ હેરી અને મેગનને જ નુકસાન થશે અને ૨૩ ટકા લોકોએ તેમને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. સર્વેમાં ૫૮ ટકાએ બ્રિટિશરો માટે રોયલ ફેમિલી તરફના વળગણમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો હોવાનું જણાવ્યું હતું.
યુએસની ચેટ શો ક્વીન ઓપ્રાહ વિન્ફ્રે સાથે આમનેસામને બેસીને કરાયેલા ઈન્ટરવ્યૂનું પ્રસારણ કરાયા પછી ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રત્ય સામાન્ય લોકવલણ જાણવા લેવાયેલા સર્વેમાં અડધોઅડધ લોકોએ આ ઈન્ટરવ્યૂ તેમના માટે નકારાત્મક બની રહેશે તેવો મત દર્શાવ્યો હતો. સસેક્સ દંપતીએ બ્રિટિશ રોયલ ફેમિલીના હિસ્સા તરીકે જીવવાનું તેમના માટે કેટલું મુશ્કેલ બની રહ્યું હતું તે જણાવ્યા પછી માત્ર ૨૩ ટકા લોકોએ ઈન્ટરવ્યૂથી તેમને લાભ થવાનો મત દર્શાવ્યો હતો.
સર્વેમાં ૪૦ ટકા લોકોએ જણાવ્યું હતું કે સસેક્સ દંપતી તેમની શાહી જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં તેમજ ૬૬ ટકાએ પૂર્વ શાહી સભ્યો તેમની પાસે આંચકી લેવાયેલા ઓનરરી ટાઈટલ્સ અને રોયલ પેટ્રોનેજને લાયક હોવાનું જણાવ્યું હતું. પોલ હેઠળના લોકોના ૪૪ ટકાએ જણાવ્યું હતું કે દંપતીના કવરેજમાં પ્રેસ-મીડિયા તેમની પાછળ પડી ગયું હતું જ્યારે ૩૬ ટકાએ પ્રેસ-મીડિયા પોતાનું કાર્ય કરી રહ્યું હોવાનો મત દર્શાવ્યો હતો. મેગન અને પ્રિન્સ હેરીએ યુકેમાં પ્રેસ-મીડિયાના હાથે તેમના પ્રત્યેના ખરાબ વ્યવહાર અને રાજ પરિવાર તરફથી સપોર્ટના અભાવે અમેરિકન અભિનેત્રીને આત્મહત્યા કરવાના વિચાર તરફ ધકેલી હોવાનો આક્ષેપ કર્યો હતો.


