હેરી અને મેગને શાહી ભૂમિકા છોડીઃ પરિવારને ભૂકંપી આંચકો

નાણાકીય રીતે સ્વતંત્ર થઈ આગવી આવક ઉભી કરવાની ઈચ્છાઃ બ્રિટન અને નોર્થ અમેરિકામાં વસવાટ, કેનેડાને પ્રથમ પસંદગીઃ ક્વીન સહિત પરિવારને અંધારામાં રાખ્યોઃ

Thursday 09th January 2020 06:00 EST
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે મુખ્ય શાહી ભૂમિકાથી અળગા થવાની જાહેરાત સાથે શાહી પરિવારને અને ખાસ કરીને ક્વીન એલિઝાબેથ દ્વિતીયને ભારે આંચકો આપ્યો છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે નિવેદનમાં પરિવારના ‘સીનિયર સભ્યો’ની ભૂમિકાથી અલગ થઈ પોતાની આગવી નાણાકીય કમાણી કરવાની જાહેરાત કરી છે. આઘાતની બાબત તો એ છે કે તેમણે ક્વીન, પિતા પ્રિન્સ ચાર્લ્સ કે મોટા ભાઈ પ્રિન્સ વિલિયમને પણ આગોતરી જાણ ન કરી અંધારામાં જ રાખ્યાં હતાં અને પરિવારને હેરી-મેગનના નિર્ણયની જાણ ટેલિવિઝન મારફત જ થઈ છે. આ નિર્ણયથી શાહી પરિવાર સાથે તેમના ભાવિ સંબંધો વિશે પ્રશ્નાર્થ પણ ઉભા થયા છે. એવી પણ ચર્ચા થાય છે કે હેરી-મેગને ક્વીનની પીઠમાં ખંજર ભોંક્યુ છે. ડ્યૂક અને ડચેસ પોતાનો સમય બ્રિટન અને નોર્થ અમેરિકામાં ગાળશે. એમ કહેવાય છે કે દંપતી મુખ્યત્વે કેનેડામાં વસવાટ કરશે.

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે પોતાનું છ સપ્તાહનું ક્રિસમસ ક્વીન અને પરિવાર સાથે નહિ પરંતુ, કેનેડામાં વીતાવ્યું હતું અને વેકેશનથી પરત આવી તેમણે આ બોમ્બવિસ્ફોટ કર્યો છે. મહારાણી સહિત પરિવારના સભ્યોને આગોતરી જાણ કે ચર્ચા વિના જ આ નિર્ણયની જાહેરાત કરાયાથી તેઓ નાખુશ અને દુઃખી છે.ઉલ્લેખનીય છે કે આ દંપતી અગાઉ પ્રિન્સ વિલિયમ અને કેટ સાથેના વસવાટ તેમજ તેમના રોયલ ફાઉન્ડેશનથી અલગ થયું હતું. પ્રિન્સ વિલિયમ સાથે અણબનાવનો પ્રિન્સ હેરીએ કદી ઈનકાર કર્યો નથી. બકિંગહામ પેલેસ દ્વારા નિવેદનમાં જણાવાયું છે કે,‘ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ સાથે ચર્ચા પ્રાથમિક તબક્કામાં છે. અલગ અભિગમની તેમની ઈચ્છા સમજી શકાય છે પરંતુ, આ મુદ્દાઓ ગૂંચવણભર્યા છે જેને હલ કરવામાં સમય લાગશે.’

ક્વીન સાથે અયોગ્ય વ્યવહાર કરાયો

સૂત્રોએ જણાવ્યા અનુસાર દંપતીએ ક્વીન સાથે સારો વ્યવહાર કર્યો નથી. એમ કહેવાય છે ડ્યૂક અને ડચેસે એક સપ્તાહ અગાઉ નવા જીવનની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પરિવારના સભ્યોએ તે શક્ય બનાવવા આગળ કામગીરીની સંમતિ પણ આપી હતી. શાહી પરિવારે તેમની ઈચ્છા પૂર્ણ કરવા ઘણું કર્યું છે. હેરી અને મેગનની ઈચ્છાનુસાર ભવ્ય લગ્ન, ઘર, ઓફિસ, નાણા, સ્ટાફ અને પ્રવાસની તમામ વ્યવસ્થા શાહી પરિવાર દ્વારા કરાઈ હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે દંપતીના કેનેડા વેકેશન દરમિયાન જ ખાનગી રાહે આ નિર્ણય લેવાયો હતો. શાહી પરિવારથી સ્વતંત્ર નવી વેબસાઈટની રચનાનો નિર્ણય પણ લેવાયો હતો, જે હવે લોન્ચિંગ માટે તૈયાર છે. આની માહિતી તેમની યુકેસ્થિત વફાદાર પ્રેસ ટીમને પણ અપાઈ ન હતી.

પ્રિન્સ હેરી અને મેગન હવે શું કરશે?

હેરી અને મેગન નાણાકીય રીતે સ્વતંત્ર થવા ઈચ્છે છે અને પોતાની આગવી આવક ઉભી કરવા માગે છે. તેમની દલીલ છે કે અત્યારે તેઓ આમ કરી શકતાં નથી. તેઓ દર વર્ષે કરદાતાઓ તરફથી મહારાણીને મળતા નાણા- સોવરિન ગ્રાન્ટમાંથી મળતી રકમ પરનો અધિકાર છોડી દેશે પરંતુ, પિતા પ્રિન્સ ચાર્લ્સ પાસેથી નાણા લઈ શકે છે. તેઓ પોતાના યુકેમાં વસવાટ માટે વિન્ડસરમાં કરદાતાઓના ૨.૪ મિલિયન પાઉન્ડના ખર્ચે સજાવાયેલું ફ્રોગમોર કોટેજનું મકાન જાળવી રાખશે. તેઓ પોતાના શાહી ટાઈટલ્સ કે દરજ્જાઓ પણ છોડવાના નથી. આ ઉપરાંત, કરદાતાઓના નાણામાંથી મળતું ૬૫૦,૦૦૦ પાઉન્ડનું મેટ્રોપોલીટન પોલીસ પ્રોટેક્શન પણ જાળવશે તેમ કહેવાય છે. જોકે, તેમણે બ્રિટન અને અન્યત્ર કોમનવેલ્થમાં ઘણાં ઓછાં પ્રમાણમાં શાહી ફરજો નિભાવવાની ઓફર કરી છે.

કેનેડામાં વસવાટ પસંદગીનો મુખ્ય વિકલ્પ

પ્રિન્સ હેરી અને મેગન નોર્થ અમેરિકામાં ક્યા વસવાટ કરશે તે હજુ નિશ્ચિત નથી પરંતુ, કેનેડા તેમની પસંદગીનો વિકલ્પ છે. તેમણે તાજેતરમાં જ આઠ મહિના પુત્ર આર્ચી સાથે કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં છ સપ્તાહનું ક્રિસમસ વેકેશન ગાળ્યું હતું. એમ મનાય છે કે તેઓ યુકેમાં ન હોય ત્યારે કોમનવેલ્થ દેશ કેમેડામાં સમય ગાળશે તેમજ મેગનનું વતન અને માતા ડોરિઆ રેજિનાલ્ડ રહે છે તે યુએસએમાં પણ ઘર રાખી શકે છે. મેગન યુએસના લોકપ્રિય ડ્રામા સ્યૂટ્સમાં અભિનય કરતી હતી ત્યારે ટોરોન્ટોમાં રહેતી અને કામ કરતી હતી. કેનેડાવાસીઓ તો હેરી અને મેગનને ખુલ્લા હાથે આવકારવા થનગની રહ્યા છે. જોકે, તેમની સલામતી પાછળ જંગી ખર્ચને ચૂકવવા તેમની ઈચ્છા નથી. કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોએ હેરી-મેગનની જાહેરાત પછી મૌન જાળવી રાખ્યું છે.

શાહી ભૂમિકામાં આર્થિક પરતંત્રતાની ડ્યૂક અને ડચેસની ફરિયાદ

પ્રિન્સ હેરી અને મેગનની એવી ફરિયાદ રહી છે કે તેમની શાહી ભૂમિકાના કારણે તેઓ સ્વતંત્ર અર્થોપાર્જન કરી શકતા નથી. શાહી કામગીરીમાં વળતર તરીકે મળતી રકમનો ૯૫ ટકા ભાગ તો ઓફિસ ખર્ચાઓમાં જતો રહે છે. જોકે, તેમની સંપત્તિનું મૂલ્ય ૩૪ મિલિયન પાઉન્ડ છે અને પ્રિન્સ ચાર્લ્સની એસ્ટેટમાંથી તેમને મોટી રોકડ રકમ પણ મળવાની છે. પ્રિન્સ ચાર્લ્સે ગયા વર્ષે પોતાની એસ્ટેટમાંથી બે પુત્રોને સંયુક્ત ૪.૯ મિલિયન પાઉન્ડ આપ્યા હતા. હેરીની અન્ય મિલકતોમાં માતા પ્રિન્સેસ ડાયેના તરફથી ૨૦ મિલિયન પાઉન્ડના વારસા, પરદાદી ક્વીન મધરના ટ્રસ્ટમાંથી આશરે સાત મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે. મેગનની સંપત્તિમાં યુએસ ડ્રામા શ્રેણીમાંથી મળેલી આશરે ચાર મિલિયન પાઉન્ડની રકમનો સમાવેશ થાય છે. તેને બે ફિલ્મમાંથી ૨.૭૦ મિલિયન પાઉન્ડ મળેલાં છે.

નવી ભૂમિકામાં તેઓ વર્ષે લાખો પાઉન્ડ કમાઈ શકશે. તેઓ પોતાને આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટી સર્કિટમાં મૂકવા ઈચ્છે છે. શાહી ટાઈટલ અને સેલેબ્રિટી દરજ્જાના કારણે તેમને મોટી આવક કરાવી શકે તેવી ઓફર્સ મળવાની શક્યતા છે. વિશ્વના મોટા વક્તાઓને ડિનર સ્પીચમાં ૩૮૦,૦૦૦ પાઉન્ડ જેટલી રકમ મળે છે. આ બાબતે તેઓ બરાક અને મિશેલ ઓબામાને અનુસરી શકે છે. ટીવી શો, બુક્સ અને બ્રાન્ડ્સ ડીલમાંથી પણ નાણા રળી શકશે.

આ ઉપરાંત, તેઓ પોતાની માર્કાના ઉત્પાદનોના વેચાણમાંથી લાખો પાઉન્ડ મેળવી શકે છે. હેરી અને મેગને તેમની સસેક્સ રોયલ બ્રાન્ડમાં ટી-શર્ટ્સ, બૂક્સ, મેગેઝિનની શિક્ષણસામગ્રી સહિત ૧૦૦થી વધુ આઈટમ્સ રાખેલી છે. તેમાંથી હેરીને અંદાજિત ૩૦ મિલિયન અને મેગનને ચાર મિલિયન પાઉન્ડની આવક મળી છે. હેરી સાથે લગ્ન પહેલા મેગન મર્કેલે તેના લાઈફસ્ટાઈલ બ્લોગમાંથી વાર્ષિક ૬૧,૦૦૦ પાઉન્ડની કમાણી કરી હતી. હેરીની ગર્લફ્રેન્ડ તરીકે જાહેર થયા પછી બ્લોગ બંધ કરી દેવો પડ્યો હતો. જો નવેસરથી ચાલુ કરાય તો રોયલ સ્ટેટસના કારણે વધુ કમાણી કરી શકે છે.

બીજી તરફ, હેરી અને મેગનના ખર્ચા પણ ભારે છે અને હજુ વધતા જશે. તેમની પ્રાઈવેટ સેક્રેટરી માટે વાર્ષિક ૧૪૬,૦૦૦ પાઉન્ડ, આર્ચીની નેની માટે સરેરાશ ૧૦૪,૦૦૦ પાઉન્ડ, અંગત સહાયકો અને ઓર્ડર્લીઝ માટે અંદાજે ૧૨૦,૦૦૦ પાઉન્ડ તેમજ વારંવારના પ્રવાસ ખર્ચ તો અલગ જ ગણાય. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ બધા ખર્ચ પરિવાર દ્વારા ચૂકવાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter