લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કલ અને ડ્યૂક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ ૩૧ માર્ચથી સત્તાવાર રીતે રોયલ પરિવારને અલવિદા કર્યું છે. જેઓ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સને ઇમેઈલ કરી રહ્યાં છે તેમને એવો વળતો સંદેશ મળી રહ્યો છે કે હવે દંપતીની ઓફિસ બંધ છે.
જાન્યુઆરીમાં પ્રિન્સ હેરી અને મેગન તથા મહારાણી વચ્ચે લાંબી ચર્ચાઓ પછી આ દંપતીએ રોયલ પરિવાર સાથે છેડો ફાડ્યો હતો. તેમની ઓફિસને ઇમેલ કરનારાને જે ઓટો રીસ્પોન્સ મળી રહ્યો છે તેમાં ‘તમારા ઇમેઈલ બદલ આભાર, ઓફિસ ઓફ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ હવે બંધ છે’ તેવો સંદેશો જોવા મળી રહ્યો છે. જેનો અર્થ એ છે કે હવે પ્રિન્સ હેરી અને મેગને સત્તાવાર રીતે રોયલ પરિવાર સાથે પોતાનો નાતો તોડ્યો છે.
લંડન છોડ્યાં પછી તેમણે કેનેડામાં વાનકુવર ખાતે રહેવાનું નક્કી કર્યું હતું. તેમની લંડનસ્થિત ઓફિસનો સ્ટાફ પણ છુટો કરી દેવાયો છે. તેમની કોમ્યુનિકેશન હેડ સારા લેથમ હવે ક્વીનની અંગત કચેરીમાં જવાબદારી સંભાળશે. હેરી અને મેગન અંગે પેલેસ તરફથી કોઇ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. હવે તેમણે યુએસએના લોસ એન્જલસમાં વસવાટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે, જ્યા મેગનનો ઉછેર થયો છે અને તેની માતા ડોરિઆ રેગલેન્ડ પણ રહે છે.