હેરી- મેગન ‘સસેક્સ રોયલ’ બ્રાન્ડનો ઉપયોગ કરી ન શકેઃ મહારાણીએ પ્રતિબંધ ફરમાવ્યો

સસેક્સ દંપતીએ પોતાની પ્રવૃત્તિઓ માટે નવેસરથી બ્રાન્ડિંગ- ઓળખ સ્થાપિત કરવી પડશેઃદંપતીએ સસેક્સ રોયલ વેબસાઈટ અને તેમની ભારે લોકપ્રિય ઈન્સ્ટાગ્રામ ફીડ પાછળ લાખો પાઉન્ડનો ખર્ચ કર્યો છે

Friday 21st February 2020 21:55 EST
 
 

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે તાજેતરમાં જ વિદેશમાં સ્થાયી થઈ સ્વતંત્ર જીવન જીવવા રાજાશાહીની સત્તાવાર ફરજોમાંથી અળગાં થયેલા ૩૫ વર્ષીય પ્રિન્સ હેરી અને તેના ૩૮ વર્ષીય પત્ની મેગન મર્કલને મોટો આંચકો આપ્યો છે. હેરી અને મેગન જેના પર મોટો મદાર રાખતાં હતાં તે ‘Sussex Royal’ બ્રાન્ડનો તેઓ ઉપયોગ કરી શકશે નહિ તેવો પ્રતિબંધ મહારાણીએ ફરમાવ્યો છે. હવે સસેક્સ દંપતીએ પોતાની પ્રવૃત્તિઓ માટે નવેસરથી બ્રાન્ડિંગ- ઓળખ સ્થાપિત કરવી પડશે. બ્રિટિશ સરકારના રાજાશાહી સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન થતું હોવાથી હેરી અને મેગન સ્પ્રિંગ ૨૦૨૦થી સસેક્સ રોયલ નામનો ઉપયોગ બંધ કરી દેશે.

બ્રિટિશ રાજાશાહીથી સ્વતંત્ર આર્થિક જીવન જીવવાં ઈચ્છતાં ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે તેમનું ‘સસેક્સ રોયલ’ લેબલ છોડવું પડશે કારણકે મહારાણીએ તેના ઉપયોગ વિશે હેરી અને મેગન પર પ્રતિબંધ લાદી દીધો છે. દંપતીએ પોતાની સસેક્સ રોયલ વેબસાઈટ અને તેમની ભારે લોકપ્રિય ઈન્સ્ટાગ્રામ ફીડ પાછળ લાખો પાઉન્ડનો ખર્ચ કર્યો છે. સસેક્સ દંપતી ક્લોધિંગ, સ્ટેશનરી, બૂક્સ અને સામાજિક સંભાળ સેવાઓ સહિત વ્યાપક સ્તરની વિવિધ આઈટમ્સ અને પ્રવૃત્તિઓ માટે સસેક્સ રોયલ બ્રાન્ડનું વૈશ્વિક ટ્રેડમાર્ક તરીકે રજિસ્ટ્રેશન કરાવવા માગતા હતા. તેઓ એપ્રિલ મહિનાથી નવી ચેરિટેબલ સંસ્થા-સસેક્સ રોયલ, ધ ફાઉન્ડેશન ઓફ ધ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પણ સ્થાપવા માગતા હતા. જોકે, હેરી અને મેગન પોતાના બ્રાન્ડિંગમાં ‘રોયલ’ શબ્દનો ઉપયોગ કરે તે યોગ્ય નહિ હોવા બાબતે રાણી અને તેમના વરિષ્ઠ સલાહકારોમાં સંમતિ સધાઈ છે.

જાહેર કાર્યો સાથે સંકળાયેલા પોતાના પરિવારના સભ્યો પોતાના પદથી પ્રોફિટ મેળવી ન શકે તેમ મજબૂત માન્યતા ધરાવતાં મહારાણીએ પૌત્ર અને તેની પત્નીને વિદેશમાં નવું જીવન જીવવાં પરવાનગી તો આપી દીધી પરંતુ, કેટલાંક નિયંત્રણો પણ લાદી દીધાં છે. રોયલ બ્રાન્ડિંગનો પ્રતિબંધ નવું પગલું છે. આ જટિલ પરિસ્થિતિની વિસ્તૃત વિગતો હજુ ઘડાઈ રહી છે પરંતુ, સસેક્સ દંપતીએ નવી કાર્યસ્થિતિમાં પોતાની ઈચ્છાનુસાર સસેક્સ રોયલ નામનો પયોગ કરી નહિ શકાય તે સ્વીકારી લીધું છે. હેરી અને મેગન સમક્ષ પોતાની વેબસાઈટથી માંડી ચેરિટી સહિત તમામ બાબતોને નવેસરથી રજિસ્ટર્ડ કરાવવાનો પડકાર આવ્યો છે. તેમના ‘સસેક્સ રોયલ’ ઈન્સ્ટાગ્રામ પેજના ૧૧.૨ મિલિયન ફોલોઅર્સ છે.

હેરી અને મેગન સૌપહેલા કેન્સિંગ્ટન રોયલ તરીકે ઓળખાતાં ધ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ પરિવારથી અલગ થયાં ત્યારે તેમણે સસેક્સ રોયલ બ્રાન્ડનો ઉપયોગ શરુ કર્યો હતો. તેમણે કેનેડામાં સ્થાયી થવા રાજપરિવારથી અલગ સ્વતંત્ર જીવન જીવવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે તેમની યોજનામાં ‘સસેક્સ રોયલ’ બ્રાન્ડ અગ્રેસર હતી. તેમણે વસ્ત્રોથી માંડી નોટબૂક્સ સુધીની દરેક ચીજવસ્તુઓ માટે આ બ્રાન્ડના ટ્રેડમાર્ક તરીકે રજિસ્ટ્રેશનની અરજીઓ કરાઈ છે. જોકે, એમ પણ કહેવાય છે કે અન્ય લોકો તેનો ઉપયોગ કરી ન શકે તે કારણે રજિસ્ટ્રેશન કામગીરી કરાઈ છે.

બીજી તરફ, માર્કેટિંગ નિષ્ણાતો એમ પણ કહે છે કે ‘રોયલ’ નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધથી હેરી અને મેગનને નાણાકીય રીતે ખાસ વાંધો આવશે નહિ કારણકે તેમણે ગત ઓળખ પણ ઉભી કરી દીધી છે. સસેક્સ રોયલ બ્રાન્ડ ગુમાવવાથી મૂલ્ય થોડું ઘટશે પરંતુ, પોતાની પ્રતિષ્ઠાના લીધે યુકે અને અમેરિકાના બજારોમાં તેમની ભારે પ્રસિદ્ધિ થયેલી છે. ડ્યૂક અને ડચેસ તાજેતરમાં બેન્કિંગ જાયન્ટ જેપી મોર્ગન દ્વારા મિઆમી ખાતે આયોજિત કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતાં. તેમણે પ્રસિદ્ધ અભિનેત્રી જેનિફર લોપેઝ સાથે ભોજન પણ લીધું હતું. માત્ર આમંત્રિતો માટેના જ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સસેક્સ દંપતીને અંદાજે ૭૭૫,૦૦૦ પાઉન્ડની ફી ચૂકવાઈ હોવાનું પણ કહેવાય છે.

                                 ‘રોયલ’ શબ્દ ક્વીનની સંપત્તિ નથીઃ હેરી અને મેગનનો કટાક્ષ

લંડનઃ ધ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ- પ્રિન્સ હેરી અને મેગન મર્કેલે ક્વીન દ્વારા ‘સસેક્સ રોયલ’ બ્રાન્ડ પર પ્રતિબંધ બાબતે પોતાની અંગત વેબસાઈટ પર સ્પષ્ટ કર્યું છે કે ૩૧ માર્ચે તેમની સીનિયર રોયલ તરીકેની ભૂમિકાનો અંત આવતા સાથે જ તેઓ ‘સસેક્સ રોયલ’ નામનો ઉપયોગ પોતાની બ્રાન્ડ તરીકે બંધ કરી દેશે. જોકે, ક્વીન અને શાહી પરિવારને ભડકાવે તેવા નિવેદનમાં તેમણે એવો કટાક્ષ પણ કર્યો હતો કે ‘રોયલ’ શબ્દ ક્વીનની સંપત્તિ નથી અને વિદેશમાં આ શબ્દ સંદર્ભે તેમનું કોઈ અધિકારક્ષેત્ર પણ નથી. જો તેઓ આ શબ્દનો ઉપયોગ વિદેશમાં કરવા માગશે તો મોનાર્ક અને    યુકે સરકાર તેમને અટકાવવા સમર્થ નથી.

ધ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સના લાંબા નિવેદનમાં ધ ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ, પ્રિન્સેસ બીટ્રીસ, પ્રિન્સેસ યુજીન તેમજ અર્લ અને કાઉન્ટેસ ઓફ વેસેક્સ સહિત અન્ય શાહી સભ્યોનો અછડતો ઉલ્લેખ કરાયો છે. બ્રિટિશ મીડિયા દ્વારા રોયલ ફેમિલીના અન્ય સભ્યોની સરખામણીએ તેમની સાથે વાજબી વ્યવહાર કરાયો ન હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. તેમણે એ પણ યાદ અપાવી હતી કે હેરી બ્રિટિશ ગાદીના છઠ્ઠા ક્રમના વારસદાર છે અને જન્મથી જ HRH ટાઈટલ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter