હેરી- મેગનનાં ફ્રોગમોર કોટેજ નિવાસેથી કર્મચારીને ફરજમુક્ત કરાયા

Wednesday 22nd January 2020 02:28 EST
 
 

લંડનઃ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સ હવે કેનેડા સ્થાયી થવાના હોવાનું નિશ્ચિત છે ત્યારે તેમના વિન્ડસરના નિવાસસ્થાન ફ્રોગમોર કોટેજમાંથી શેફ્સ, નોકરાણીઓ અને સેવકો સહિત હંગામી કર્મચારીઓને તેમની સેવાની જરૂર ન હોવાનું જણાવી છૂટા કરાઈ રહ્યા છે. મેનેજર અને ક્લીનરને ક્વીનના નિવાસે મોકલી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે મેગન હાલ કેનેડાના વાનકુવરમાં વિવિધ ચેરિટીઝની મુલાકાત લઈ રહી છે.

હેરી અને મેગનનાં ફ્રોગમોર કોટેજ નિવાસેથી કર્મચારીઓને છૂટા કરાઈ રહ્યા છે, જે આ દંપતી કેનેડામાં નિવાસ કરશે તેમજ મેગન યુકે પરત આવશે નહિ તેની નિશાની તરીકે જોવાય છે. કોટેજના બે કાયમી કર્મચારી હાઉસ મેનેજર અને ક્લીનરને ક્વીન હાઉસહોલ્ડમાં અન્ય ફરજ સોંપાઈ છે. આમ પણ, ક્વીનની વિન્ડસર એસ્ટેટમાં આવેલા ફ્રોગમોર કોટેજમાં હેરી અને મેગને ઘણો ઓછો સ્ટાફ રાખ્યો હતો. અહીંથી શેફ્સ, નોકરાણીઓ અને સેવકો સહિત કામચલાઉ કર્મચારીઓને છૂટા કરાઈ રહ્યા છે.

ડ્યુક અને ડચેસના જણાવ્યા અનુસાર તેઓ યુકે અને નોર્થ અમેરિકા-કેનેડામાં સમય વીતાવશે અને રાજવંશને ટેકો આપવાનું યથાવત રાખશે તેમજ ફ્રોગમોર કોટેજને યુકેમાં સત્તાવાર નિવાસ તરીકે જાળવી રાખશે. મહારાણી તેમની આ વિનંતી સ્વીકારશે કે કેમ તેના વિશે સ્પષ્ટતા નથી. સૂત્રોએ જણાવ્યું છે કે દંપતી ઘણા ઓછા સમય માટે ત્યાં રહેવાના હોવાથી કોટેજ પર ખોટા નાણા ખર્ચવાની તેમની ઈચ્છા નથી. ક્વીન સાથે બંધબારણે બેઠકમાં ‘મેગ્ઝિટ’ના શું નિર્ણયો લેવાયા તેની કોઈ જાહેરાત કરાઈ નથી પરંતુ, મેગન યુકે પરત આવે તેવી શક્યતા ન હોવાનું સૂત્રો જણાવે છે.

હેરી અને મેગનના લગ્ન સમયે ક્વીન દ્વારા દંપતીને ભેટમાં અપાયેલું ફ્રોગમોર કોટેજ મૂળ તો પાંચ અલગ સ્ટાફ કોટેજ હતા, જેને પાંચ બેડરુમના વિશાળ નિવાસમાં ફેરવી નખાયું હતું. કોટેજમાં સુધારાવધારા પાછળ કરદાતાઓના ૨.૪ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter