હેરી-મેગનની સસેક્સ રોયલ બ્રાન્ડના ટ્રેડમાર્કમાં અવરોધ

Wednesday 29th January 2020 06:46 EST
 
 

લંડનઃ શાહી પરિવારથી અલગ સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છુક પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને તેમની સસેક્સ રોયલ બ્રાન્ડને ટ્રેકમાર્ક કરાવવાના પ્રયાસમાં અવરોધ સર્જાયો છે. ઓસ્ટ્રેલિય ડોક્ટર બેન્જામિન વર્સેસ્ટરે કાનૂની ફરિયાદ નોંધાવતા હવે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે ટ્રેડમાર્ક માટે લાંબી કાનૂની લડાઈ લડવી પડે તેમ લાગે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સસેક્સ રોયલ ઉત્પાદનોનું સામ્રાજ્ય દંપતી માટે ૪૪ મિલિયનથી એક બિલિયન પાઉન્ડની કમાણી કરી શકે તેમ છે.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રહેતા ડોક્ટર બેન્જામિન વર્સેસ્ટરે સસેક્સ રોયલ બ્રાન્ડના ટ્રેકમાર્કિંગ વિરુદ્ધ નોટિસ પાઠવતા સસેક્સ દંપતીની બિલિયન પાઉન્ડ સામ્રાજ્યની યોજનામાં ફાચર પડી છે. આ ડોક્ટરે યુનિવર્સિટી કોલેજ લંડનમાં અભ્યાસ પછી ૨૦૧૧-૧૪ના ગાળામાં NHS ડોક્ટર તરીકે કામ કર્યું હોવાનું કહેવાય છે. નોટિસના કારણની જાણ થઈ નથી પરંતુ, હેરી અને મેગને લાંબી કાનૂની લડતમાં ભરાવું પડશે તે નિશ્ચિત છે. દંપતીએ જૂન ૨૦૧૯માં ટ્રેડમાર્ક માટે અરજી કરી હતી પરંતુ, ઓપોઝિશન પીરિયડમાં કોઈ પણ વ્યક્તિ યુકે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસમાં વિરોધ નોંધાવી શકે છે. આ સમય ૨૦ ફેબ્રુઆરીએ પૂર્ણ થવાનો હતો પરંતુ, ડોક્ટર વર્સેસ્ટરની ફરિયાદ પછી તારીખ ૨૦ માર્ચ સુધી લંબાવાઈ છે.

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ ટી-શર્ટ્સ, હુડીઝ, કોટ્સ, જેકેટ્સ, ટ્રાઉઝર્સ, ફૂટવેર, સ્પોર્ટ્સવેર, જર્નલ્સ, બુક્સ સહિતના અસંખ્ય ઉત્પાદનોને સસેક્સ રોયલ ટ્રેડમાર્ક હેઠળ આવરી લેવા માગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter