હેરી - મેગનનો સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા કેનેડાનો ઈનકાર

Saturday 29th February 2020 06:14 EST
 
 

લંડનઃ આર્થિક સ્વતંત્રતા માટે અંશતઃ શાહી ફરજો છોડી કેનેડામાં સ્થાયી થઈ રહેલાં પ્રિન્સ હેરી, મેગન મર્કલ અને તેમના સંતાન આર્ચીની સુરક્ષા વ્યવસ્થા હાલ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ હસ્તક છે પરંતુ, ૩૧ માર્ચથી તેઓ સંપૂર્ણપણે શાહી ફરજો છોડી રહ્યાં છે ત્યારે તેમની સુરક્ષાનો ખર્ચ ઉઠાવવા કેનેડાએ ઈનકાર કર્યો છે. હેરી અને મેગને કેનેડામાં સ્થળાંતર કર્યું ત્યારથી તેમની સુરક્ષા પાછળ ૨૦ મિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ થયો છે.

હેરી અને મેગન ગત નવેમ્બરથી વાનકુવર આઈલેન્ડમાં સ્થાયી થયા તે પછી પહેલી વખત કેનેડાએ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની સુરક્ષામાં પોતાની મદદ હોવાને સમર્થન આપ્યું છે. જોકે, હવે એપ્રિલ મહિનાથી સસેક્સ દંપતીના સ્ટેટસમાં ફેરફાર થવાથી તેમનો સુરક્ષાખર્ચ ઉઠાવવા કેનેડાએ સ્પષ્ટ ઈનકાર કર્યો છે. કેનેડાના ઈનકારથી લાખો પાઉન્ડના સુરક્ષાખર્ચનો બધો ભાર બ્રિટિશ કરદાતાઓ પર આવી પડશે.

કથિતપણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા ધરાવતી વ્યક્તિઓને સલામતી પૂરી પાડવાની કેનેડાની કાનૂની જવાબદારી છે. સસેક્સ દંપતી સંપૂર્ણ કાર્યરત શાહી વ્યક્તિઓ તરીકે નવેમ્બરમાં કેનેડાની હંગામી મુલાકાતે આવ્યા હતા અને તેમની સુરક્ષાનો ભાર કેનેડાની પ્રજાએ ઉઠાવ્યો હતો. જોકે, હવે સસેક્સ દંપતી લોભામણી કોમર્શિયલ કારકિર્દી માટે નોર્થ અમેરિકા સ્થાયી થવા માગે અને ૩૧ માર્ચથી સીનિયર વર્કિંગ રોયલ્સ તરીકે પદત્યાગ કરવાના છે.

આખી દુનિયામાં ઉડાઉડ કરતા સસેક્સ દંપતી કેનેડા પોલીસના ઈનકારથી મૂંઝવણમાં મૂકાયા છે. તેમણે તાજેતરના એક નિવેદનમાં જણાવ્યું હતું કે હેરીનો શાહી ઘરાનામાં જન્મ, તેની લશ્કરી સેવા, ડચેસની પોતાની સ્વતંત્ર પ્રોફાઈલ તેમજ તેમના પરના જોખમોને ધ્યાનમાં રાખતા તેઓ કાનૂની રીતે પોલીસ સુરક્ષા મેળવવાના હકદાર છે. જોકે, કેનેડાના ઈનકારથી સસેક્સ દંપતીની સુરક્ષાનો ભાર મેટ્રોપોલીટન પોલીસ અને યુકેના કરદાતાઓ પર આવી જશે.

યુકેના અધિકારીઓની ટીમ માટે કેનેડામાં તેમની સુરક્ષા તેમજ તેમના વિશ્વપ્રવાસોમાં સાથે રહેવાનો ઓછામાં ઓછો વાર્ષિક ખર્ચનો અંદાજ એક મિલિયન પાઉન્ડ મૂકાયો છે. અન્ય વિકલ્પ દંપતી પોતાની સુરક્ષાનો ખર્ચ ખુદ ઉઠાવે તે છે જેના માટે સસેક્સ દંપતી તૈયાર લાગતાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter