લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે બ્રિટન અને રોયલ ફેમિલી સાથે સંબંધનો અંત લાવતા હોય હોય તે રીતે તેમના બ્રિટિશ નિવાસ ફ્રોગમોર કોટેજની સજાવટ પાછલ ખર્ચાયેલા ૨.૪ મિલિયન પાઉન્ડ ચૂકવી દીધા છે. નેટફ્લિક્સ સાથે મલ્ટિ-મિલિયન ડોલરના કરાર પછી તેમણે સંપૂર્ણપણે નાણાકીય આઝાદી મેળવી લીધી છે.
દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર સસેક્સ દંપતીએ નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા શાહી ફરજોમાંથી મુક્તિ મેળવી બ્રિટન છોડ્યું તે પછી પ્રિન્સ ચાર્લ્સ તેમને નાણાકીય મદદ કરતા રહ્યા હતા પરંતુ, હવે તે બંધ કરી દેવાઈ છે. ક્લેરેન્સ હાઉસે ત્યારે જણાવ્યું હતું કે પ્રિન્સ ચાર્લ્સ એક વર્ષ તેમને મદદ માટે ખાનગી ફાળો આપશે.
કેલિફોર્નિયાસ્થિત નવા આલીશાન મેન્શનના મોર્ગેજના હપ્તા તેમજ પોતાની સલામતી પાછળનો ખર્ચ સસેક્સ દંપતી ખુદ ભોગવશે. હેરી અને મેગન વિન્ડસરમાં આવેલા ફ્રોગમોર કોટેજમાં આર્ચીના જન્મ અગાઉ થોડો સમય રહ્યાં હતાં અને તેની સજાવટ પાછળ બ્રિટિશ કરદાતાના ૨.૪ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. દંપતીએ બ્રિટન છોડ્યું ત્યારે તેમણે આ નાણા પરત ચૂકવી દેવાની ખાતરી આપી હતી.