લંડનઃ હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેનને કિંગના બર્થ ડે ઓનર્સ લિસ્ટમાં કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)ના ટાઇટલથી નવાજવામાં આવ્યા છે. 24 વર્ષ કાઉન્સિલર રહ્યા પછી બોબ બ્લેકમેન 2010માં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે સાંસદપદે ચૂંટાયા હતા. કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)ની ઉપાધિ ઓબીઇ અને એમબીઇ કરતાં મોટું સન્માન ગણાય છે. નાઇટહૂડ કરતાં તે એક રેન્ક પાછળ છે. બ્લેકમેને જણાવ્યું હતું કે, આ સન્માનથી હું ઘણો ખુશ છું.
2015માં 1922 કમિટીના સેક્રેટરીપદે ચૂંટાયા પછી બ્લેકમેન યુરોપિયન રિસર્ચ ગ્રુપ યુરોસ્કેપ્ટિકમાં જોડાયા હતા. 2016માં તેમણે હોમલેસનેસ રિડક્શન બિલ સંસદમાં રજૂ કર્યું હતું જે તેમનું પ્રથમ પ્રાઇવેટ બિલ હતું. હોમલેસનેસનો અંત લાવવા માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે.
ધુમ્રપાનના સખત વિરોધી એવા બ્લેકમેન 2015માં સ્મોકિંગ પરના ઓલ પાર્ટી પોલિટિકલ ગ્રુપના અધ્યક્ષ ચૂંટાયા હતા.


