લંડનઃ હેરો કાઉન્સિલમાં કેન્ટન ખાતે એક સ્કાઉટ હટના સ્થાને હિન્દુ મંદિરના નિર્માણનો ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ દ્વારા વિરોધ કરાયો છે. હેરો કાઉન્સિલમાં મંદિર નિર્માણ માટે રજૂ કરાયેલા પ્લાનના વિરોધમાં 150 કરતાં વધુ વાંધા અરજી રજૂ કરવામાં આવી છે. આ સ્થળે સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટ દ્વારા બે માળના હિન્દુ મંદિરના નિર્માણની યોજના છે. આ સ્થળથી થોડા મીટરના અંતરે આવેલા ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ દ્વારા તેનો વિરોધ કરાયો છે.
ઓર્થોડોક્સ ચર્ચના પ્રિસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના નિર્માણથી અમારા જીવનો પર અસર થશે. આ સ્થળે મંદિર નિર્માણ કરવાથી ગીચતામાં વધારો થશે. જેના પગલે ચર્ચ અને મંદિરની મુલાકાતે આવતા બંને સમુદાયના શ્રદ્ધાળુઓ તેમજ નજીકમાં આવેલી નર્સરી સ્કૂલના વાલીઓ વચ્ચે સંઘર્ષ થઇ શકે છે.
ચર્ચના પ્રતિનિધિઓએ એવો પણ વાંધો ઉઠાવ્યો છે કે વાહનોની અવરજવર વધવાથી અને ઢોલ નગારાના અવાજના કારણે આ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ સર્જાશે. નજીકમાં આવેલી નર્સરી સ્કૂલના વાલીઓ અને આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા પણ મંદિરના નિર્માણ સામે આ જ કારણોસર વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે આ વિસ્તાર ગીચ બની રહેશે તેવો આરોપ મૂકતાં સૂચન કર્યું છે કે હિન્દુ સમુદાયના લોકોએ નજીકમાં આવેલા અન્ય 4 મંદિરોનો ઉપયોગ કરવો જોઇએ.
જોકે અરજકર્તાએ વાંધાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણના કારણે કોઇ ગીચતા સર્જાશે નહીં. ચર્ચ ગેરમાર્ગે દોરતી માહિતી આપી રહ્યું છે. અહીં મંદિરની સાથે પૂજારી માટે રહેણાંકના નિર્માણની પણ યોજના છે.
અરજકર્તાએ જણાવ્યું છે કે પ્રસ્તાવિત મંદિરમાં સપ્તાહના 7 દિવસ સવારના 9 વાગ્યાથી 30 મિનિટ પૂજા થશે અને તેમાં પાંચથી 10 શ્રદ્ધાળુઓ જ હાજર રહેશે. વીક ડેઝમાં સાંજના સમયે 30 મિનિટની પૂજા થશે જેમાં 25થી 50 શ્રદ્ધાળુ હાજર રહી શકે છે. અમે અહીં બાળકો માટે કલ્ચરલ ક્લાસ શરૂ કરવા માગીએ છીએ જેમાં 15થી 20 લોકો અને માસિક ઉજવણીઓમાં 100 જેટલાં શ્રદ્ધાળુ હાજર રહી શકે છે.


