લંડનઃ હેરો સ્ટેશનની પાછળ પાંચ નવા ટાવર બ્લોકનું નિર્માણ કરવાની યોજનાનો નોર્થ લંડનના સાંસદ બોબ બ્લેકમેને ઉગ્ર વિરોધ કર્યો છે. તેમનો દાવો છે કે આ બ્લોકના નિર્માણથી રહેવાસીઓને બહુ ઓછો લાભ થશે. હેરો, બ્રેન્ટ અને બાર્નેટ વચ્ચે આવેલા બ્રન્ટ ઓકમાં કાર પાર્કના રીડેવલપમેન્ટનો અર્થ એ થયો કે 200 જેટલી કાર પાર્ક કરવાની જગ્યા છીનવાઇ જશે અને એક સ્થાનિક લાયબ્રેરી બંધ થઇ જશે. પ્રોપર્ટી ડેવલપર બ્રેન્ટ કાઉન્સિલ સાથે મળીને આ કાર પાર્ક ખાતે 300 કરતાં વધુ ફ્લેટ બનાવવાની યોજના ધરાવે છે. કાઉન્સિલનો દાવો છે કે આ યોજનાથી ટાઉન સેન્ટર ફરી જીવંત બની જશે. નવા ઘર મળવાની સાથે ગ્રીન સ્પેસ અને સાઇકલ લિન્ક પણ ઉપલબ્ધ થશે.
જોકે હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેને આ યોજનાનો વિરોધ કરવા સ્થાનિક રહેવાસીઓને અપીલ કરી છે. તેમનું માનવું છે કે મહત્વના કાર પાર્ક પર આ યોજનાનો અમલ કરાઇ રહ્યો છે અને સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓના હિત પર જરાપણ વિચારણા કરાઇ નથી.


