લંડનઃ હોમ ઓફિસે હેરો કાઉન્સિલમાં આવેલા મુંબઇ લોકલ નામના ભારતીય રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરવા ભલામણ કરી છે. આ રેસ્ટોરન્ટ વારંવારની ચેતવણીઓ છતાં ગેરકાયદેસર લોકોને નોકરી આપતી હતી. તાજેતરમાં ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા પડાયેલા દરોડામાં એક એવી વ્યક્તિ મળી આવી હતી જેની પાસે યુકેમાં કામ કરવાનો કોઇ અધિકાર નહોતો. આ વ્યક્તિની ગયા વર્ષે પણ ધરપકડ કરાઇ હતી તેમ છતાં રેસ્ટોરન્ટે તેને નોકરી પર રાખી હતી. હવે હેરો કાઉન્સિલે સ્ટ્રીટફિલ્ડ રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય લેવાનો છે. 2023માં પણ આ રેસ્ટોરન્ટમાંથી ગેરકાયદેસર કર્મચારીઓ ઝડપાયાં હતાં.
બીજીતરફ બ્રિસ્ટોલના એક નેઇલ સલૂનને બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. આ સલૂનમાંથી બે વિયેટનામી મહિલા ગેરકાયદેસર રીતે કામ કરતાં ઝડપાઇ હતી. આ પહેલામાં પણ આ સલૂન પર દરોડામાં ગેરકાયદેસર કર્મચારી ઝડપાયાં હતાં અને તે માટે સલૂનને 80,000 પાઉન્ડનો દંડ ફટકારાયો હતો.
ગેરકાયદેસર નોકરી માટે સજા મેળવનાર અબ્દુલ્લા પ્રથમ માઇગ્રન્ટ
ગેરકાયદેસર નોકરી માટે અબ્દુલ્લા મેરેઝ સજા મેળવનારો પ્રથમ માઇગ્રન્ટ બન્યો છે. જોકે તેને જજ દ્વારા ફક્ત બે કલાકના વેતન 26 પાઉન્ડનો દંડ જ ફટકારાયો છે. અબ્દુલ્લા ડિલિવરૂ માટે કામ કરતો હતો. 2 મે 2025ના રોજ પોલીસે તેને સરેમાં ડિલિવરી કરતી વખતે ઝડપી લીધો હતો. આ તેનો પ્રથમ અપરાધ હતો અને તે દેવા તળે દટાયેલો હોવાથી અદાલતે તેને શરતી મુક્તિ આપી હતી. મેરેઝ યુકેમાં ગેરકાયદેસર રીતે આવ્યો હતો કે કામ કરવાની પરવાનગી ન હોય તે પ્રકારનો વિઝા ધરાવતો હતો તે સ્પષ્ટ કરાયું નથી.

