લંડનઃ હેરોના વેમ્બલીમાં ભાડાના મકાનોમાં અતિશય ગીચતા અને જોખમી પરિસ્થિતિઓનો પર્દાફાશ થયા બાદ બ્રેન્ટ કાઉન્સિલે હેરોના એક મકાનમાલિક સંજય પટેલપર આગામી પાંચ વર્ષ માટે પ્રોપર્ટી ભાડે આપવા અથવા તેના સંચાલન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સંજય પટેલે વાઇલ્ડ વે સ્થિત એક મકાનમાં 18થી વધુ લોકોને રાખ્યા હતા. આ મકાનમાં કાયદેસર રીતે માત્ર વધુમાં વધુ સાત લોકોને રહેવાની પરવાનગી હતી.
હાઉસિંગ નિયમોના ઉલ્લંઘન બદલ વિલેસ્ડન મેજિસ્ટ્રેટ કોર્ટે અગાઉ સંજય પટેલને 87,000 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ તેને 2,000 પાઉન્ડવિક્ટિમ સરચાર્જ અને 2,788 પાઉન્ડ કોર્ટ પ્રોસિક્યુશન ખર્ચ પેટે ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો.
હવે, સંબંધિત ટ્રિબ્યુનલે પણ આ મામલે કડક વલણ અપનાવતા આગામી પાંચ વર્ષ માટે તેના પર પ્રોપર્ટી ભાડે આપવા, પ્રોપર્ટી મેનેજમેન્ટ અથવા લેટિંગ એજન્સી તરીકે કામ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

