લંડનઃ હેરો સ્થિત 23 વર્ષીય ઉદ્યોગ સાહસિક મનોજ મોહનરાજને તેના દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ ઇવેલ્યુએટ લર્નિંગ માટે વૈશ્વિક સ્પર્ધામાં વિજય હાંસલ કર્યો છે. તેમનું આ સ્ટાર્ટઅપ શાળાના વિદ્યાર્થીઓને વ્યક્તિગત અભ્યાસનો અનુભવ આપવા એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણમાં અસમાનતા દૂર કરવાનું લક્ષ્યાંક ધરાવે છે.
સ્કાય ઇઝ ધ લિમિટ્સ અંડર ડોગ ફંડ નામે જાણીતી આ સ્પર્ધામાં જનતાને તેમના બિઝનેસ આઇડિયા રજૂ કરવા પડકાર અપાયો હતો. હજારો અરજકર્તાઓ મધ્યે મનોજ મોહનરાજનની પસંદગી કરાઇ હતી. વિજેતા તરીકે મોહનને 7855 પાઉન્ડનો રોકડ પુરસ્કાર, એક મેકબૂક પ્રો અને ટોચના ઉદ્યોગસાહસિકોના માર્ગદર્શનની તક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મનોજે તેમના શાળાના અનુભવોના આધારે આ સ્ટાર્ટઅપનો પ્રારંભ કર્યો છે. તેમને વિગતવાર માહિતીના અભાવે એ લેવલના વિષયોની પસંદગીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.


