લંડનઃ હેરોની 8 વર્ષની બોધાના સિવનંદને એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાના કરતાં 30 વર્ષ સીનિયર એવા માસ્ટરને ચેસની સ્પર્ધામાં પરાજિત કરીને ઇતિહાસ સર્જ્યો છે. તેના પિતા કહે છે કે મારી દીકરી અકસ્માતે જ ચેસ રમતા શીખી ગઇ હતી. બોધાનાને ક્રોએશિયાના ઝાગ્રેબ ખાતે આયોજિત યુરોપિયન રેપિડ બ્લિત્ઝ ચેમ્પિયનશિપમાં બેસ્ટ ફિમેલ પ્લેયરનો ખિતાબ અપાયો હતો. બોધાના 555 ખેલાડીઓમાં 73મા સ્થાને રહી હતી અને 8.5-13થી વિજેતા બની હતી.
બીબીસી રેડિયો4ને આપેલી મુલાકાતમાં બોધાનાએ જણાવ્યું હતું કે, મને મારા પોતાના પર ગૌરવ છે. હું યુરોપિયન બ્લિત્ઝમાં ટોચની કિશોરી બની હતી. બોધાનાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને આ પ્રયાસોએ જ ટુર્નામેન્ટમાં સફળતા અપાવી હતી. તેણે અકસ્માતે જ ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેને ચેસની રમતમાં રસ પડવા લાગ્યો હતો. તેથી મેં તેને ઇંગ્લિશ ચેસ ફેડરેશનમાં લઇ જવાની શરૂઆત કરી હતી. મારી દીકરીને ચેસના ખેલાડીઓ દ્વારા ઘણી મદદ કરવામાં આવી હતી.


