લંડનઃ એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને હેરો સ્થિત હિન્દુ ફેઇથ સ્કૂલ અવન્તી હાઉસ સેકન્ડરી સ્કૂલની વંચિત વિદ્યાર્થીઓ મધ્યેની સેવા અને ઓફસ્ટેડના ઇન્સ્પેક્શનમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રશંસા કરી હતી. સ્ટેનમોર સ્થિત વેમબરો ખાતે આવેલી સ્ટેટ ફંડેડ સ્કૂલે પ્રાપ્ત કરેલા ઉચ્ચ પરિણામોના કારણે તેને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ સ્કૂલોમાં સામેલ કરાઇ છે.
ફિલિપસને સ્કૂલના પ્રિન્સિપાલ સાયમન આર્નેલ અને તેમની ટીમને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, પાછલા શૈક્ષણિક વર્ષમાં અવન્તી હાઉસ સ્કૂલ ખાતે ગરીબ બાળકો દ્વારા મેળવાયેલા અદ્દભૂત પરિણામો માટે હું તમને અને તમારી ટીમને અભિનંદન પાઠવું છું. તમારી સ્કૂલની કામગીરીએ તેને રાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ સ્કૂલોમાં સ્થાન અપાવ્યું છે. આ એક અદ્દભૂત સિદ્ધી છે. આ સફળતા તમારા કર્મચારીઓની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓની આકરી મહેનતનું પ્રતિબિંબ છે. આ દર્શાવે છે કે મહત્વાકાંક્ષા અને પ્રતિબદ્ધતાનું મિલન થાય ત્યારે શું હાંસલ કરી શકાય છે.
જૂન 2025માં ઓફસ્ટેડ દ્વારા કરાયેલા ઇન્સેપેક્શનમાં સ્કૂલને તમામ પાસાઓમાં આઉટસ્ટેન્ડિંગનું રેટિંગ અપાયું હતું. શાળાના અભ્યાસક્રમને પણ મહત્વાકાંક્ષી ગણાવવામાં આવ્યો હતો.


