હેરોમાં જૂનુ મંદિર તોડી નવું નિર્માણ કરવા કાઉન્સિલની શરતી મંજૂરી

સિદ્ધિ વિનાયક દેવસ્થાનમના પુનઃનિર્માણ પહેલાં પાણીની પાઇપલાઇન બદલવાની શરત

Tuesday 09th June 2026 10:31 EDT
 
 

લંડનઃ હેરો કાઉન્સિલે માર્લબરોમાં નિબથવેટ રોડ પર સ્થિત વર્તમાન શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાનમ મંદિરને તોડીને તેના સ્થાને નવું ભવ્ય મંદિર બનાવવાની દરખાસ્તને લીલી ઝંડી આપી દીધી છે. હાલનું મંદિર અગાઉ એક વેરહાઉસ હતું. હવે તેના સ્થાને આધુનિક, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ભવ્ય પૂજા સ્થળ બનાવવામાં આવશે.

જો કે, કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મંદિરની નીચે આવેલી 40 મીટર લાંબી પાણીની પાઇપલાઇનને બદલવામાં નહીં આવે ત્યાં સુધી નવા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી શકાશે નહીં. કાઉન્સિલની ડ્રેનેજ કમિટીના જણાવ્યા અનુસાર જો આ સમારકામ કરવામાં નહીં આવે તો મોટું સંકટ ઊભું થઈ શકે છે. જો કે, આ કામગીરી દરમિયાન વર્તમાન ઇમારતને તોડી પાડવાની છૂટ આપવામાં આવી છે પરંતુ ત્યારપછી જળમાર્ગની સ્થિતિની ફરી સમીક્ષા કરવામાં આવશે કે નવું મંદિર ત્યાં બનાવી શકાશે કે નહીં.

પ્લાનિંગ કમિટીના વાઇસ ચેરમેન કાઉન્સિલર અંજના પટેલે આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, આ એક ખૂબ જ સારો પ્રસ્તાવ છે. જૂની ઇમારતના સ્થાને નવું ભવ્ય ભવન બનવાથી આ સ્થળ વધુ સુરક્ષિત બનશે અને ભક્તો માટે પણ સુવિધાજનક રહેશે. કાઉન્સિલે મંદિર માટે વધુમાં વધુ 150 લોકોની ક્ષમતા મર્યાદિત કરવાનો નિયમ પણ લાગુ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter