લંડનઃ નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં બેસબરો રોડ ખાતે સોમવારે રાત્રે બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચિત્રા વનમીગન્થન નામની 46 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને અન્ય એક સગીર અને મહિલાને ઇજા પહોંચી હતી. ચિત્રા વેમ્બલીની નિવાસી હતી. ઇજાગ્રસ્ત થયેલા 12 વર્ષીય સગીર અને 30 વર્ષીય મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. કારના ચાલકની ભયજનક ડ્રાઇવિંગ દ્વારા અકસ્માત સર્જવા અને મોત નિપજાવવાના આરોપસર ધરપકડ કરાઇ હતી. તેણે રૂટ નંબર 395ની બસ અને રાહદારીઓને ટક્કર મારી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, અમે ચિત્રાના પરિવારને દિલસોજી પાઠવીએ છીએ. અમે આ અકસ્માતની તપાસ કરી રહ્યાં છીએ. જો કોઇની પાસે આ ઘટનાના ફૂટેજ હોય તો રજૂ કરવા અપીલ કરીએ છીએ.