લંડનઃ હેરો રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે 30 મેના રોજ ભારતીય મૂળના સગીર યુનિવર્સટી વિદ્યાર્થીઓ પર 3 વ્યક્તિઓ દ્વારા કરાયેલા રેસિસ્ટ હુમલા સામે ભારતીય સમુદાયમાં ઉગ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે. હેરોમાં થયેલા આ હુમલાની તપાસ કરી તાકિદે પગલાં લેવા હોમ સેક્રેટરીને અપીલ કરાઇ છે.
વિવિધ રિપોર્ટ અનુસાર ભારતીય મૂળના વિદ્યાર્થીઓને 3 વ્યક્તિ દ્વારા અટકાવાયાં હતાં અને તેમની વંશીય ઓળખ અને ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. એક વિદ્યાર્થી મારના કારણે બેભાન થઇ ગયો હતો અને તેના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા અને હજુ તેમની ઓળખ થઇ શકી નથી. હાલ મેટ્રોપોલિટન પોલીસ આ હુમલાની તપાસ કરી રહી છે.
હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ વતી વિનોદ પોપટે હોમ સેક્રેટરીને પાઠવેલા સંદેશામાં જણાવ્યું હતું કે, આ હુમલા અંગે અમે ઊંડી ચિંતાની લાગણી વ્યક્ત કરીએ છીએ. જોકે પીડિત કયા ધાર્મિક સમુદાયના હતા તે જાહેર કરાયું નથી પરંતુ જે રીતે તેમની વંશીય અને ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કરાયો તેના કારણે હિન્દુ સહિતના બ્રિટિશ ભારતીય સમુદાયોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. આ પ્રકારના બનાવો કેનેરી વ્હાર્ફ સહિતના વિસ્તારોમાં પણ સામે આવ્યા છે જે એક વિચલિત કરનાર ટ્રેન્ડ છે અને આ માટે સરકાર હસ્તક્ષેપ કરે તે જરૂરી છે.
અમે હોમ ઓફિસ સમક્ષ આ પ્રકારના તમામ બનાવોની તાકિદે તપાસ અને સમીક્ષા કરવાની માગ કરીએ છીએ. સરકારે વંશીય અને ધાર્મિક ઓળખના આધારે કરાતા હેટ ક્રાઇમની તપાસને પ્રાથમિકતા આપવાનું આશ્વાસન આપવું જોઇએ. આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે પોલીસની હાજરી વધારવી જોઇએ અને કાયદા અંતર્ગત સુરક્ષાની ખાતરી આપવી જોઇએ.
પોપટે જણાવ્યું હતું કે, બ્રિટિશ હિન્દુ સમુદાય હંમેશા કાયદાનું પાલન કરનાર શાંતિચાહક સમુદાય રહ્યો છે. કોઇ સમુદાય તેની વંશીય અને ધાર્મિક ઓળખના કારણે અસુરક્ષિત મહેસૂસ કરવો જોઇએ નહીં.
અસરકારક પગલાં લેવાય તે સુનિશ્ચિત કરી રહ્યો છુઃ કાન્તિ નાગડા(ઓબીઇ)
હેરો સ્થિત સંગત એડવાઇઝ સેન્ટરના સ્થાપક કાન્તિ નાગડા (ઓબીઇ)એ જણાવ્યું હતું કે, હેરોમાં 3 ભારતીય હિન્દુ વિદ્યાર્થીઓ પર કરાયેલો ઘાતીક હુમલો રેસિસ્ટ હુમલામાં થઇ રહેલા વધારાની ચેતવણી આપે છે. 18-19 વર્ષના 3 સગીર ક્રિકેટ રમી રહ્યાં હતાં ત્યારે 3 વ્યક્તિએ તેમની પાસે આવી વંશીય અને ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કર્યો હતો. જેમાં એક વિદ્યાર્થીની આંખ પર ગંભીર ઇજા થઇ હતી. ઘટના પર આઘાત વ્યક્ત કરતાં કાન્તિ નાગડાએ જણાવ્યું હતું કે, હું સતત પોલીસના સંપર્કમાં છું અને અસરકારક પગલાં લેવાય તે સુનિશ્ચિત કરી રહ્યો છું.