હેરોમાં હિન્દુ વિરોધી નફરતનો ભય વધતાં નવું રિપોર્ટિંગ પ્લેટફોર્મ શરૂ કરાયું

હિન્દુ વિરોધી નફરતનો અનુભવ કરો કે તેને જૂઓ તો તરત જ આ પ્લેટફોર્મ પર રિપોર્ટ કરોઃ કૃપેશ હીરાણી

Tuesday 26th May 2026 11:09 EDT
 
 

લંડનઃ ધાર્મિક હેટક્રાઇમમાં ચિંતાજનક વધારા વચ્ચે લંડન સ્થિત એક સંસ્થાએ હિન્દુ વિરોધી નફરત અને ગુનાઓની નોંધણી કરવા માટે એક નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. સમગ્ર લંડનમાં હેરો વિસ્તાર સૌથી મોટી હિન્દુ વસ્તી ધરાવે છે પરંતુ આ વિસ્તારના  સ્થાનિક રહેવાસીઓને નિશાન બનાવવામાં આવતા હોવાના અથવા જાહેર સ્થળોએ અસુરક્ષિત અનુભવતા હોવાના ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે.

ગ્રેટર લંડન એસેમ્બલીના આંકડા દર્શાવે છે કે, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે ધર્મ-આધારિત નફરતના ગુનાઓમાં 58 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. અગાઉ હિન્દુ વિરોધી નફરતની ઘટનાઓની સત્તાવાર નોંધણી માટે કોઈ ચોક્કસ પ્રણાલી નહોતી, પરંતુ હવે વધુ પુરાવા એકત્રિત કરવાના હેતુથી એન્ટી-હિન્દુ હેટ મોનિટર નામનું નવું ઓનલાઈન પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યું છે.

એન્ટી-સેમિટિઝમની ઘટનાઓ નોંધવા માટે વપરાતી વેબસાઇટના મોડેલ પર જ આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય યુકેમાં હિન્દુઓ વિરુદ્ધ થતા પ્રત્યક્ષ કે ઓનલાઈન હુમલાઓની વિગતો વેબસાઈટ દ્વારા એકત્રિત કરવાનો છે. આ મોનિટરિંગ સિસ્ટમ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબિલિટીના ફ્યુચર ફેઇથ્સ ડેસ્ક દ્વારા વિકસાવવામાં આવી છે. તેના સંશોધનમાં સામે આવ્યું હતું કે હિન્દુ વિરોધી નફરત અંગે ચિંતા વધી રહી છે પરંતુ આવી ઘટનાઓ નોંધવા માટે કોઈ સત્તાવાર વ્યવસ્થા નથી.

દેશમાં ત્રીજો સૌથી મોટો ધાર્મિક સમુદાય હોવા છતાં હિન્દુઓએ સતત આવી દુશ્મનાવટનો સામનો કરવો પડે છે, જેની સત્તાવાર વ્યાખ્યા સ્પષ્ટ નથી, જેનું રેકોર્ડિંગ અસંગત છે અને નીતિ-વિષયક ચર્ચાઓમાં તેને સ્થાન જ અપાતું નથી. આ પ્લેટફોર્મ વિકસાવવામાં કોમ્યુનિટી સિક્યુરિટી ટ્રસ્ટે મદદ કરી છે. આ ટ્રસ્ટ યહૂદી સમુદાય માટે સમાન પ્રણાલી ચલાવે છે. નવા પ્લેટફોર્મ પર હિન્દુ વિરોધી ઘટના કોને ગણવી તેની સ્પષ્ટ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જેથી સચોટ પુરાવા એકત્રિત કરી શકાય અને પોલીસ તે મુજબ યોગ્ય કાર્યવાહી કરી શકે.

પિન્નર સ્થિત શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ટ્રસ્ટી અને મેનેજમેન્ટ કમિટીના સભ્ય સતીશ પટેલે આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે, આ નવું મોનિટર માત્ર હેરો અને બ્રેન્ટ માટે જ નહીં, પરંતુ સમગ્ર લંડનના હિન્દુઓ માટે ઉત્તમ સમાચાર છે. સ્થાનિક સમુદાયમાં મારી સક્રિયતા દરમિયાન મેં આપણી આસ્થાના કારણે નફરતનો ભોગ બનવું પડ્યું હોય તેવા ઘણા કિસ્સા સાંભળ્યા છે. આ સ્પષ્ટ રિપોર્ટિંગ પ્રક્રિયાથી પોલીસને આ મુદ્દાની ગંભીરતા સમજવામાં મદદ મળશે.

ગયા અઠવાડિયે બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલી મેમ્બર કૃપેશ હીરાણીની ઉપસ્થિતિમાં આ પ્લેટફોર્મ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમણે આ પગલાને હિન્દુ સમુદાય માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. હીરાણીએ મેટ્રોપોલિટન પોલીસને પણ અપીલ કરી છે કે તે આ ટૂલ દ્વારા એકત્રિત કરાયેલા ડેટાને માન્યતા આપે અને તપાસમાં તેનો ઉપયોગ કરે.

કૃપેશ હીરાણીએ જણાવ્યું હતું કે, પોતાની આસ્થાના કારણે કોઈએ પણ દુર્વ્યવહાર, ધમકી કે હિંસાનો સામનો કરવો ન જોઈએ. પરંતુ રહેવાસીઓ સાથેની વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ વિરોધી નફરતની ઘણી ઘટનાઓ ક્યાં તો રિપોર્ટ થતી નથી અથવા તેના પર યોગ્ય પગલાં લેવાતા નથી. રહેવાસીઓ જાહેર સ્થળોએ અસુરક્ષિત અનુભવતા હોવાના અહેવાલો સિસ્ટમ પ્રત્યે વિશ્વાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. હું હેરોના દરેક નાગરિકને અપીલ કરું છું કે જો તેઓ હિન્દુ વિરોધી નફરતનો અનુભવ કરે કે તેને જુએ તો તરત જ આ પ્લેટફોર્મ પર રિપોર્ટ કરે. દરેક સમુદાય સુરક્ષા અને સન્માનનો હકદાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter