હેરોમાં હોળીની ઉજવણીમાં ખલેલઃ બ્લેકમેનની કોમન્સમાં ઉગ્ર રજૂઆત

વૈશ્વિક ઘટનાક્રમોના કારણે આપણા દેશમાં કોમી તણાવ વધી રહ્યો છેઃ ટોરી સાંસદ

Tuesday 17th March 2026 11:25 EDT
 
 

લંડનઃ લંડનના હેરો ખાતે હોળીની ઉજવણીમાં વિક્ષેપ પાડવાના બદઇરાદાથી 20 જેટલા તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. હાઉસ ઓફ કોમન્સમાં તેની રજૂઆત કરતાં કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને સરકારને કોમી તણાવ ઘટાડવા માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. હેરોના સાંસદ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે, ગયા સપ્તાહમાં સિવિક સેન્ટ્રલ પાર્ક ખાતે આયોજિત હોળીની વાર્ષિક ઉજવણીમાં વિક્ષેપ પાડવા કેટલાક તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. આ ઉજવણી ઘણા વર્ષોથી યોજાય છે અને તેમાં એક હજાર કરતાં વધુ લોકો હાજર રહે છે.

બ્લેકમેને જણાવ્યું હતું કે, નજીકમાં આવેલી મસ્જિદમાંથી આ ટોળું આવ્યું હતું અને ઉજવણીમાં ખલેલ પહોંચાડી હતી. તેમણે ઓડિયો સિસ્ટમને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે ત્યાં હાજર લોકોએ તેમને ભગાડી દીધાં હતાં. થોડા સમય પછી આ લોકો ફરી પાછા આવ્યા હતા અને ઉજવણી કરનારા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, આ હેરો છે અને અહીં અમે ભાઇચારાથી રહીએ છીએ. મને આશા છે કે આવું ફરી ક્યારેય અને ક્યાંય નહીં થાય. દુઃખની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા ઘટનાક્રમોના કારણે આપણા દેશમાં પણ કોમી તણાવ વધી રહ્યો છે. તેને સમાવવાની જવાબદારી રાજકીય નેતાઓની છે.

હાઉસ ઓફ કોમન્સના નેતા એલન કેમ્પબેલે જણાવ્યું હતું કે, હેરોમાં હોળીની ઉજવણીમાં ખલેલ પહોંચાડવાની ઘટનાથી મને દુઃખ થયું છે. કોઇપણ પ્રકારનો ધાર્મિક દ્વેષ ધૃણાસ્પદ છે અને આપણા દેશ અને સમાજમાં તેને કોઇ સ્થાન નથી.

પોલીસે જણાવ્યું હતું કે, અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા અને 14 વર્ષના છોકરાની ઝઘડાની શંકામાં ધરપકડ કરવામાં આવી હતી.

હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની માગ

હેરોમાં હોળીની ઉજવણી દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા કરાયેલા હુમલાનો વિરોધ કરતા ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેએ ભારતીય હાઇ કમિશ્નરને પત્ર પાઠવીને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે માગ કરી હતી કે આ ઘટનાની સંપુર્ણ તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લઇ યુકેમાં ભારતીય ડાયસ્પોરાના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોને સુરક્ષા અપાય તે માટે હાઇ કમિશન રાજદ્વારી સ્તરે રજૂઆત કરે. અમે હિન્દુ મંદિરોની સુરક્ષા વધારવાની પણ માગ કરીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter