હેલ્થ અને સોશિયલ કેરના વિદેશી કામદારોના આશ્રિતો પર નિયંત્રણ લદાશે

ફક્ત એક આશ્રિતને જ બ્રિટનમાં રહેવાની પરવાનગી આપવા વિચારણા

Tuesday 28th November 2023 10:45 EST
 

લંડનઃ દેશમાં આવી રહેલા માઇગ્રન્ટ્સની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચતા વડાપ્રધાન રિશી સુનાક નવા ઇમિગ્રેશન પગલાંની તૈયારી કરી રહ્યાં છે. આ અંતર્ગત સુનાક સરકાર હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરમાં આવતા વિદેશી કામદારોને તેમની સાથે લાવવાની સગાંની સંખ્યા ઘટાડીને ફક્ત એક કરવાની તૈયારી કરી રહી છે. તે ઉપરાંત સરકાર કર્મચારીઓની અછત વર્તાતી હોય તેવા વ્યવસાયોની યાદી પણ ટૂંકાવવા માગે છે જેના કારણે બ્રિટિશ વેપાર-ઉદ્યોગ માટે વિદેશમાંથી કર્મચારીઓ લાવવા મુશ્કેલ બની રહેશે.

જૂન 2023 સુધીમાં યુકેએ હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરમાં 2,82,742 વિઝા જારી કર્યાં હતાં જે અગાઉના વર્ષ કરતાં 172 ટકાનો વધારો દર્શાવે છે. તેમાંથી 1,51,774 વિઝા હેલ્થ અને કેર વર્કર્સના આશ્રિતોને જારી કરાયાં હતાં.

10 ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર નેટ માઇગ્રેશન લેવલ ઘટાડવાના તમામ વિકલ્પની ચકાસણી ચાલી રહી છે. સરકાર આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહી છે. આ પહેલાં પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પણ હેલ્થ અને સોશિયલ કેર સેક્ટરમાં આવતા વિદેશીઓના આશ્રિતોની સંખ્યામાં ઘટાડો કરવાની તરફેણ કરી ચૂક્યાં છે. જોકે આ પ્રસ્તાવનો ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા ઉગ્ર વિરોધ પણ કરાયો હતો. તેમ છતાં વડાપ્રધાન હેલ્થ વર્કરના ડિપેન્ડન્ટની સંખ્યા પર નિયંત્રણ લાદવા ઘણા ઉત્સુક હોવાનું મનાઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter