લંડનઃ સમગ્ર વિશ્વ અને યુકે સહિત યુરોપમાં કોરોના વાઈરસનો પ્રકોપ ફેલાયો છે ત્યારે યુકેના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ ૬૨ વર્ષીય નાદિન ડોરિસને કોરોના કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું જાહેર થયું છે. તેઓ વાઈરસ ટેસ્ટિંગમાં પોઝિટિવ હોવાનું જણાયું હતું. હેલ્થ મિનિસ્ટર ડોરિસે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી તેમજ ગત શુક્રવારે પોતાના મતક્ષેત્રમાં પણ લોકોને મળ્યાં હતાં. હવે તેઓ અલાયદા રહે છે અને તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં ૫૯૬થી વધુ લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે અને ૧૦ વ્યક્તિનાં મોત થયાં છે.
ગત સપ્તાહે ચેપ લાગ્યા પછી પૂર્વ નર્સ અને મિનિસ્ટર ડોરિસને સાંસદો સહિત કોણ મળ્યું હતું તેમની શોધ ચાલી રહી છે. તેમણે કોરોના વાઈરસ સામે લડવાની યોજનાઓ ઘડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. તેમણે ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે વડા પ્રધાન જ્હોન્સન દ્વારા પાંચ માર્ચે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી. તેઓ પાર્લામેન્ટની બહાર અનેક સાંસદો અને લોકોને પણ મળ્યાં હતાં. શુક્રવારે કોરોના સંબંધિત વૈધાનિક બિલમાં સહી કર્યાં પછી તેઓ અસ્વસ્થ જણાયાં હતાં. શનિવારે તેમણે મિડ બેડફોર્ડશાયર મતક્ષેત્રમાં બેઠક પણ યોજી હતી.
ત્રણ સંતાનોની માતા મિસિસ ડોરિસે જણાવ્યું હતું કે,‘ હું કોરોના વાઈરસ ટેસ્ટમાં પોઝિટિવ આવી છું. મને માહિતી મળતાંની સાથે જ મેં તમામ સાવચેતી સાથે ઘરમાં અલાયદા રહેવાનું શરૂ કર્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે મારાં સંપર્કોને શોધવા કામગીરી આરંભી છે. મારો વિભાગ અને ઓફિસ તેમને સહકાર આપે છે. મને મારી સાથે જ રહેતી ૮૪ વર્ષની માતાની વધુ ફિકર છે.’
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે નાદિન પોઝિટવ જાહેર થયાં બદલ ચિંતા વ્યક્ત કરી હતી. મોટા ભાગના સાંસદોએ હેલ્થ મિનિસ્ટરને તેમની સ્વસ્થતા માટે સપોર્ટ જાહેર કર્યો છે.