લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ પણ કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. તેમનો કોરોનાનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો અને તેઓ પરિવાર સાથે હોમ આઇસોલેશનમાં છે. હેલ્થ સેક્રેટરીએ વેક્સિનના બે ડોઝ લીધાં હોવાં છતાં તેમને સંક્રમણ લાગ્યું છે. જાવિદે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તેમને કોરોના વાઈરસથી સંક્રમણ લાગ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સદભાગ્યે મને વેક્સિનના બંને ડોઝ મળી ગયા હતા અને લક્ષણો હળવા છે. 'જો તમે વેક્સિન ન લીધી હોય, તો કૃપા કરીને વેક્સિન લેવા માટે આગળ આવો.’
હવે હેલ્થ સેક્રેટરી જાવિદનો PCR ટેસ્ટ પોઝિટિવ આવશે તો તેમના સંપર્કમાં આવેલા વડા પ્રધાન જ્હોન્સન, કેબિનેટના અન્ય સભ્યો તેમજ અન્ય સાંસદો પણ આઈસોલેશનમાં જાય છે કે નહિ તે મોટો પ્રશ્ન હતો. જોકે, જ્હોન્સન અને સુનાકે તેઓ આઈસોલેટ થશે તેવી જાહેરાત કરી દીધી છે. જાવિદે થોડાં દિવસોમાં હાઉસ ઓફ કોમન્સ અને ડાઉનિંગ સ્ટ્રીટની મુલાકાતો લીધી હતી. તેમનામાં લક્ષણો દેખાયા તે અગાઉ શુક્રવારે તેમણે જ્હોન્સન સાથે રુબરુ લંબાણ બેઠક પણ કરી હતી. બ્રોમ્સગ્રોવના ટોરી સાંસદ જાવિદ તે પહેલા કેર હોમની મુલાકાત પણ લઈ અસહાય લોકોને પણ મળ્યા હતા.