લંડનઃ કોરોના મહામારીમાં હેલ્થ સ્ટાફને જે અસરનો સામનો કરવો પડ્યો છે તેની કદર કરીને બોરિસ સરકારે ઈંગ્લેન્ડમાં નર્સીસ સહિત એક મિલિયનથી વધુ NHS વર્કર્સ માટે ૩ ટકાની વેતનવૃદ્ધિની ઓફર કરી છે. વેલ્શ સરકારે પણ તમામ NHS સ્ટાફ માટે ૩ ટકાના વેતનવધારાની ઓફર કરી છે. જોકે, યુનિયનો તેમજ ડોક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ મેડિકલ એસોસિયેશને (BMA) પગારવધારાની ઓફરને તદ્દન અપૂરતી ગણાવી હતી. નર્સીસ અને હેલ્થકેર યુનિયનો દ્વારા ૧૫ ટકા વેતનવૃદ્ધિ નહિ અપાય તો હડતાળ પાડવાની ધમકી પણ આપી દીધી છે. અગાઉ, માર્ચ મહિનામાં હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટે (DHSC) માત્ર ૧ ટકાનો વેતનવધારો પોસાઈ શકે તેમ હોવાનું જણાવતા તેની ભારે ટીકા કરાઈ હતી.
સરકારે ગત નવેમ્બર મહિનામાં ૨૪,૦૦૦ પાઉન્ડથી ઓછું વેતન ધરાવનારા અને NHS સ્ટાફના અપવાદ સાથે પબ્લિક સેક્ટર માટે ૨૦૨૧-૨૨ માટે વેતન સ્થગિત કરવાની જાહેરાત કર્યા પછી હેલ્થકેર વર્કર્સ માટે વેતનવૃદ્ધિની ઓફર આવી છે. એપ્રિલ ૨૦૨૧થી અપાનારા ૩ ટકાના પગારવધારામાં નર્સીસ, પેરામેડિક્સ, કન્સલ્ટન્ટ્સ, ડેન્ટિસ્ટ્સ અને સવેતન GPs સહિતનો સમાવેશ કરાયો છે. સરકારની ગણતરી મુજબ નર્સ માટે સરેરાશ વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડનું વેતન વધશે જ્યારે ઘણા પોર્ટર્સ અને ક્લીનર્સને આશરે ૫૪૦ પાઉન્ડનો વધારો મળશે.
હેલ્થ યુનિયનોએ જણાવ્યું છે કે પગારવધારાની નવી ઓફરમાં હેલ્થકેર સ્ટાફ દ્વારા અપાયેલા બલિદાનોનું પ્રતિબિંબ જોવા મળતું નથી. NHS વર્કફોર્સ અભૂતપૂર્વ દબાણો હેઠળ કામ કરે છે. NHSના ૬૧,૦૦૦ જુનિયર ડોક્ટરો માટે કોઈ જોગવાઈ કરાઈ નથી. રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા નર્સીસ માટે ૧૨.૫ ટકાના પગારવધારાની માગણી કરાઈ હતી અને ૩ ટકાની ઓફર સામે ઈંગ્લેન્ડમાં નર્સીસ હડતાળ પર જઈ શકે તેવી ચેતવણી પણ આપી છે. BMAના ડો. ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે ઘણા ડોક્ટરોએ ગયા વર્ષે કોઈ વાર્ષિક રજાઓ લીધી નથી અને આ વર્ષે પણ કોવિડ-૧૯ની વધુ એક લહેરના જોખમ અને લાખો પેશન્ટ વેઈટિંગ લિસ્ટમાં છે ત્યારે તેમની હાલત ખરાબ જ છે.