લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા હૈદર ઝમીર ચૌધરીની તેના ફેલો ગ્રુપમાં ફેલો તરીકે નિયુક્તિ કરાઇ છે. હવે તેઓ મનોજ બદાલે ઓબીઇ, આતિફ હસન, ટોમ સિંહ ઓબીઇ અને ક્રિસ માથિયાસ સાથે ટ્રસ્ટમાં ફેલો તરીકે કામગીરી કરશે.
બેસ્ટવે ગ્રુપના સીઇઓ હૈદર ચૌધરી સખાવતી કાર્યો માટે પ્રતિબદ્ધ છે. તેમના કાર્યો ચેરિટી માટે બેસ્ટવે ગ્રુપની પ્રતિબદ્ધતાના મૂળમાં રહેલા છે. બેસ્ટવે ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે ચૌધરી એજ્યુકેશન, હેલ્થ, ગરીબોની મદદ અને સમાજના વિકાસમાં સિંહફાળો આપતા રહ્યાં છે.
હૈદર ચૌધરી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ફેલો તરીકે પણ સેવા આપી રહ્યાં છે. તેમની ગણના સામાજિક જવાબદારીની સભાનતા સાથે શિસ્તબદ્ધ નેતૃત્વ આપનાર વ્યક્તિઓમાં થાય છે.
ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારા સખાવતી કાર્યોએ અમને શીખવ્યું છે કે વિશ્વાસ પર બંધાયેલી ભાગીદારીઓ દ્વારા જ વાસ્તવિક બદલાવ આવી શકે છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટ પણ આજ સિદ્ધાંતો પર કામ કરે છે. સમગ્ર સાઉથ એશિયામાં નબળા અને ગરીબોને મદદ કરવાના તેમના પ્રયાસોમાં યોગદાન આપવાનું મને ગમશે.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સીઇઓ હિતેન મેહતાએ જણાવ્યું હતું કે, ફેલો તરીકે ચૌધરીનો આવકાર કરતાં આનંદ અનુભવીએ છીએ. સખાવત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અમારા મિશન માટે અર્થપૂર્ણ પૂરવાર થશે.


