હૈદરાબાદ 'આર્સેનિક મર્ડર': બ્રિટિશ ભારતીય ફાર્માસિસ્ટ પ્રત્યર્પણ સામે કાનૂની જંગે ચડ્યો

અજિત કુમાર પર સાસુને ઝેર આપીને મારી નાખવાનો આરોપ

Wednesday 29th April 2026 07:44 EDT
 

લંડનઃ હૈદરાબાદમાં ત્રણ વર્ષ પહેલાં થયેલા ચકચારી આર્સેનિક પોઈઝનિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોતાની સાસુને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ ધરાવતો બ્રિટિશ ભારતીય ફાર્માસિસ્ટ અજિતકુમાર મુપ્પરપુ હવે ભારતને સોંપવામાં ન આવે તે માટે બ્રિટનની કોર્ટમાં કાનૂની લડાઈ લડી રહ્યો છે.

વર્ષ 2021માં હૈદરાબાદમાં રહેતી એક વૃદ્ધાનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું હતું. મેડિકલ રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે તેમના શરીરમાં આર્સેનિકનું પ્રમાણ અત્યંત વધારે હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પીડિત મહિલાના જમાઈ, જે વ્યવસાથે ફાર્માસિસ્ટ છે અને બ્રિટનમાં રહે છે, તેણે આ કાવતરું રચ્યું હતું.

અજિતકુમાર પર આરોપ છે કે તેણે આર્થિક લાભ અથવા કૌટુંબિક વિવાદને કારણે સાસુના ભોજનમાં આર્સેનિક ભેળવ્યું હતું. ભારત સરકારે તેને ટ્રાયલ માટે ભારત લાવવા પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે, આરોપીએ માનવાધિકાર અને જેલની સ્થિતિને ટાંકીને ભારત આવવાનો ઈન્કાર કર્યો છે.

જો બ્રિટિશ કોર્ટ પ્રત્યર્પણની મંજૂરી આપે તો આ કેસ હૈદરાબાદ પોલીસ માટે મોટી સફળતા સાબિત થશે. હાલમાં વૈશ્વિક સ્તરે ભારત અને બ્રિટન વચ્ચેના પ્રત્યાર્પણ કરારો આ કેસના ભાવિ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter