હૈદરાબાદના નિઝામના £૩૫ મિલિયન મેળવવા ભારત અને પાક.નો કાનુની જંગ

Wednesday 03rd July 2019 02:59 EDT
 
 

લંડનઃ હૈદરાબાદના સાતમા નિઝામ ઉસ્માન અલી ખાને ૧૯૪૮માં ભારતના ભાગલા સમયે લંડનની નેટવેસ્ટ બેંકમાં થાપણ તરીકે મૂકેલા એક મિલિયન પાઉન્ડની માલિકી મુદ્દે ભારત અને પાકિસ્તાનના દાવા સાથે દાયકા જુના ઐતિહાસિક કેસમાં ઈંગ્લેન્ડ અને વેલ્સની હાઈ કોર્ટ ટુંક સમયમાં ચુકાદો આપે તેવી શક્યતા છે. આ વિવાદ ૧૦૦૭૯૪૦ પાઉન્ડ અને નવ શિલીંગની થાપણનો છે, જે આજે વધીને ૩૫ મિલિયન પાઉન્ડ થઈ છે. અનેક નાટ્યાત્મક વળાંકો પછી આ કેસ હવે અંત તરફ આવ્યો છે. આ દાવામાં આઠમા નિઝામના વારસદાર પ્રિન્સ મુકર્રમ જહા અને તેમના નાના ભાઇ મુફકકમ જહા ભારતની પડખે છે.

નિઝામના વારસદારોના ૮૦ વર્ષીય વકીલ પૌલ હેવિટે કહ્યું હતું કે,‘ પ્રિન્સ મુકર્રમ જહા અને તેમના નાના ભાઇ મુફકકમ જહાએ તેમના દાદાની સંપત્તિ મેળવવા દાયકાઓ સુધી રાહ જોઇ છે. પાકિસ્તાને ૭૦ વર્ષ સુધી તેને અટકાવી રાખી છે. અમને આશા છે કે તાજેતરની ટ્રાયલ અંતિમ હશે.’ આ નાણા હવે પોતાના હોવાના પાકિસ્તાનના દાવા સામે નિઝામના વારસદારો ભારતના ટેકાથી આ નાણા પરત મેળવવા પ્રયાસો કરે છે.

જસ્ટિસ માર્કસ સ્મિથના અધ્યક્ષપદે બે સપ્તાહથી ચાલતી ટ્રાયલમાં બંને પક્ષો તરફથી અનેક દલીલો રજૂ કરાઇ હતી. કેસનો ચૂકાદો આશરે છ સપ્તાહમાં આવવાની આશા છે. મરહુમ નિઝામ ઉસ્માન અલી ખાનની માલિકીના નાણાના કેસમાં ખરો મુદ્દો આ ફંડનો હકદાર કોણ છે તે છે. નિઝામે ૧૯૪૮માં ફંડ ટ્રાન્સફર કર્યું ત્યારે તેમની સામે પણ ભારતમાં રહેવું કે પાકિસ્તાનમાં ભળી જવું તે મુખ્ય પ્રશ્ન હતો. કહેવાય છે કે સમય જતાં ખૂદ નિઝામે જ આ રકમ પાછી માગી હતી. આ કેસની સુનાવણી હાઉસ ઓફ લોર્ડ્સ સહિત વિવિધ બ્રિટિશ કોર્ટ્સમાં દાયકાઓ સુધી ચાલી છે.

હૈદરાબાદના સાતમા નિઝામે ૧૯૪૮માં નવા જ બનેલા દેશ પાકિસ્તાનના બ્રિટનસ્થિત હાઇ કમિશનર હબીબ ઈબ્રાહિમ રહિમતુલ્લાને એક મિલિયન પાઉન્ડ સાચવવા માટે ટ્રાન્સફર કર્યા હતા. હાઈ કમિશનર તેમનામાં ભરોસો રાખી મૂકાયેલા નાણા સાચવવા સંમત થયા હતા. દાયકાઓ સુધી નેટવેસ્ટ બેન્કમાં રખાયેલી આ રકમ વ્યાજસહિત વધીને ૩.૫ મિલિયન પાઉન્ડ થઈ છે. નિઝામનું ૧૯૬૭માં અવસાન થયું તેના બે વર્ષ અગાઉ તેમણે આ નાણા એક ખતપત્રથી ભારત દેશની તરફેણમાં ફાળવ્યા હતા. નિજામના વારસદારો સહિત અન્ય દાવેદારોએ રજૂ કરેલા કોર્ટ પેપર્સમાં જણાવાયું છે કે સાતમા નિઝામના ૧૯૬૫ના ખતપત્ર થકી ભારતે નામા પર દાવો કર્યો છે. બીજી તરફ, પાકિસ્તાને આ ખતપત્ર પર આધાર રાખવાની ભારતની ક્ષમતા ૨૦ વર્ષ પહેલા પડકારી હતી તે દલીલ પર જ મદાર રાખ્યો છે. પાકિસ્તાનના વકીલ ખાવર કુરેશીએ ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના આક્રમણ સામે સ્વરક્ષણના પ્રયાસમાં હેદરાબાદને શશ્ત્રોના પુરવઠા અને પરિવહનમાં મદદ કરી હતી. ભારત હૈદરાબાદ પર હુમલો નહિ કરે તેવી બ્રિટિશ અને યુએનની ખાતરીઓના કથિત ઉલ્લંઘનના પ્રત્યાઘાત સ્વરુપે મૂળ રકમ ટ્રાન્સફર કરાઈ હોવાની પાકિસ્તાનની દલીલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter