લંડનઃ વર્તમાન યુગના હોંશિયાર છોકરાઓ સૌપ્રથમ વખત સરેરાશ મહિલાઓ કરતા વધુ આયુષ્ય ધરાવતા હશે. ઓફિસ ફોર નેશનલ સ્ટડીઝના અભ્યાસ અનુસાર ૨૦૦૭ અને ૨૦૧૧ની વચ્ચે જન્મેલા તેમ જ ડોક્ટર, વકીલ કે કંપની ડિરેક્ટર સહિતના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજતા હોંશિયાર છોકરાઓનું સરેરાશ આયુષ્ય ૮૨.૫ વર્ષ રહેવાની ધારણા છે. મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૨.૪ વર્ષ છે. જોકે, વ્યવસાયોમાં જોડાનારી અને વરિષ્ઠ સંચાલકીય હોદ્દાઓ ધરાવતી છોકરીઓ આથી પણ વધુ એટલે કે ૮૫.૨ વર્ષ જીવે તેવી ધારણા છે. છેલ્લાં ૩૦ વર્ષમાં પુરુષો અપેક્ષિત આયુમર્યાદાની ખાઈ ઘટાડી રહ્યા છે. સરેરાશ પુરુષની અપેક્ષિત આયુમર્યાદામાં સાત વર્ષનો વધારો થઈ તે ૭૯.૧ વર્ષ થઈ છે. બીજી તરફ, સ્ત્રીઓની અપેક્ષિત આયુમર્યાદા પણ વધી છે, પરંતુ તેમાં ૪.૫ વર્ષનો ધીમો વધારો દેખાયો છે, જે વધીને ૮૨.૪ વર્ષ થઈ છે.