હોઝપાઇપ પરનો પ્રતિબંધ વર્ષાંત સુધી રહેવાની થેમ્સ વોટરની ચેતવણી

ગરમીમાં વધારો થતાં જ પાણીનો વપરાશ 50 ટકા વધી જાય છે

Tuesday 25th August 2026 10:34 EDT
 

લંડનઃ થેમ્સ વોટર કંપનીએ તેના 10.1 મિલિયનથી વધુ ગ્રાહકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, પાણીના ઉપયોગ પર લાદવામાં આવેલો હોઝપાઇપ પ્રતિબંધ વર્ષના અંત સુધી યથાવત રહેવાની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હોવા છતાં આર્થિક સંકટમાં ઘેરાયેલી આ પાણી પુરવઠા કંપનીએ સ્વીકાર્યું છે કે આ નિયંત્રણો હજુ કેટલાક મહિનાઓ સુધી ચાલુ રાખવા પડશે.

કંપનીના સ્ટ્રેટેજિક વોટર રિસોર્સિસ ડિરેક્ટર નેવિલ મનકાસ્ટરે જણાવ્યું હતું કે, પર્યાવરણના રક્ષણ માટે આ પગલું અનિવાર્ય છે અને વાસ્તવિક પરિસ્થિતિ જોતાં આ પ્રતિબંધ વર્ષના અંત સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. જ્યારે તાપમાન 25 ડિગ્રી વટાવે છે ત્યારે ગ્રાહકો દ્વારા 25 ટકા વધુ પાણી વપરાય છે, પરંતુ તાપમાન 30 ડિગ્રીને પાર થતાં જ પાણીનો વપરાશ સામાન્ય કરતા 50 ટકા જેટલો વધી જાય છે.

હાલમાં સમગ્ર વેલ્સ અને ઈંગ્લેન્ડનો 71 ટકા વિસ્તાર દુષ્કાળની અસર હેઠળ છે જેના કારણે 27 મિલિયનથી વધુ નાગરિકો આ પ્રતિબંધના દાયરામાં છે. પર્યાવરણ એજન્સીના પૂર્વાનુમાન મુજબ આગામી કેટલાક મહિનાઓ સુધી હવામાન સામાન્ય કરતાં વધુ શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter