લંડનઃ સિસ્ટમનો દુરુપયોગ કરનારા અને હોટેલ છોડવાનો ઇનકાર કરનારા રાજ્યાશ્રયવાંચ્છુઓને હાઉસિંગ સપોર્ટ ગુમાવવાનો વારો આવશે. હોમ ઓફિસે જણાવ્યું છે કે કેટલાક માઇગ્રન્ટ્સ સિસ્ટમ સાથે રમત રમી રહ્યાં છે અને તેમને વૈકલ્પિક રહેણાંકમાં ખસેડવાના પ્રયાસોમાં સહકાર આપી રહ્યાં નથી. ફેલ્યોર ટુ ટ્રાવેલ પોલિસી અંતર્ગતના નવા નિયમો અનુસાર હવે જે કોઇ માઇગ્રન્ટ હોટેલ છોડવાનો ઇનકાર કરશે તે હાઉસિંગ અને અન્ય સહાય ગુમાવશે.
બોર્ડર સિક્યુરિટી એન્ડ અસાયલમ મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે, અમે માઇગ્રન્ટ હોટેલો બંધ કરવા, અસાયલમ સિસ્ટમ પાછળ થતા ખર્ચને યોગ્ય બનાવવા પ્રયાસ કરી રહ્યાં છીએ. સરકાર સરહદો સુરક્ષિત કરવા અને ટેક્સપેયર્સના નાણા બચાવવા જરૂરી તમામ નિર્ણયો લઇ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, અસાયલમ એકોમોડેશન સિસ્ટમમાં સુધારા માટે સરકાર ફેલ્યોર ટુ ટ્રાવેલ પોલિસીમાં બદલાવ કરી રહી છે. જે માઇગ્રન્ટ્સ સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યાં છે તેમની સામે પગલાં લઇ રહી છે. જેથી કરદાતાઓના નાણા બચી શકે.
બ્રિટનભરમાં માઇગ્રન્ટ હોટેલો બંધ કરવાની માગ સાથે ઉગ્ર દેખાવો
માઇગ્રન્ટ હોટેલો બંધ કરવાની માગ સાથે સમગ્ર બ્રિટનમાં દેખાવો યોજાયાં હતાં. જનતામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ઉગ્ર નારાજગી પ્રવર્તી રહી છે. નોર્વિચમાં સેંકડો લોકોએ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રખાયા છે તે બ્રુક હોટેલની બહાર ઉગ્ર દેખાવો કરાયાં હતાં. તેવી જ રીતે લીડ્સ, પોર્ટ્સમાઉથ, સાઉધમ્પટન અને નોટિંગહામશાયર સ્થિત અસાયલમ હોટેલો સામે પણ વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં.


