લંડનઃ હોટેલ ટાયકૂન સુરિન્દર અરોરાએ જાહેરાત કરી છે કે તેઓ હિથ્રો એરપોર્ટ વિસ્તરણ યોજના રજૂ કરી રહ્યાં છે. આ મામલામાં અરોરા અને એરપોર્ટના માલિકો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. અરોરા ગ્રુપે જણાવ્યું હતું કે, અમે સરકાર સમક્ષ ટૂંકા રનવેની યોજના રજૂ કરી છે જેથી એમ25 મોટરવેને ડાયવર્ટ કરવાના મસમોટા ખર્ચમાંથી બચી શકાય. એરપોર્ટ દ્વારા પ્રસ્તાવિત 3500 મીટરના સંપુર્ણ લંબાઇના રનવે કરતાં 2800 મીટરના રનવેનું નિર્માણ કરવાથી જોખમ અને ખર્ચમાં ઘટાડો કરી શકાશે.
બીજીતરફ હિથ્રો એરપોર્ટ ખાતે ત્રીજો રન-વે બનાવી એરપોર્ટનું વિસ્તરણ કરવાની વિવાદાસ્પદ યોજનાનો લંડનના મેયર સાદિક ખાને વિરોધ કરી સરકાર સામે કાયદાકીય પગલાં લેવાની ચેતવણી ઉચ્ચારી છે. સાદિક ખાને જણાવ્યું છે કે આ યોજનાના કારણે અવાજ અને હવાના પ્રદૂષણમાં વધારો થશે જેના કારણે બ્રિટનના ક્લાઇમેટ ટાર્ગેટ જોખમમાં મૂકાશે. હું કાળજીપુર્વક આ યોજનાની અને તેના કારણે લંડનવાસીઓ પર પડનારી અસરોની ચકાસણી કરીશ. આ માટે હું તમામ વિકલ્પો ખુલ્લાં રાખીશ. ત્રીજો રન-વે તૈયાર કરીને પર્યાવરણ પર કોઇપણ અસર વિના દર વર્ષે હજારો ફ્લાઇટનું સંચાલન કરી શકાશે તે વાત સાથે હજુ હું સંમત નથી.
સીબી પટેલ અને વિસ્મરણીય સંબંધો
પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ તેમની સ્મરણયાત્રાને આગળ ધપાવતા આગામી સપ્તાહે તેમની કોલમમાં ઠકરાર અને પટેલ પરિવારો સાથે વર્ષો જૂની મિત્રતા અને સામુદાયિક મૂલ્યોની સહભાગિતા થકી નિર્માયેલા અનોખા અને વિસ્મરણીય સંબંધો વિશે જણાવશે. તેઓ સુરિન્દર અરોરા સાથે સંબંધોના અંગત સંસ્મરણો પણ આપણને જણાવશે અને યુકેના અગ્રણી બ્રિટિશ એશિયન એન્ટ્રેપ્રીન્યોર્સ અને ફીલાન્થ્રોફિસ્ટ્સમાં સ્થાન ધરાવતા મહાનુભાવની પ્રેરણાદાયક યાત્રા પર પ્રકાશ પાથરશે.