હોટેલ બંધ થવા છતાં, છૂટા કરાયેલા દયાળુ સ્ટાફે મફતમાં લગ્ન કરાવ્યાં

Monday 08th August 2016 09:07 EDT
 
 

લંડનઃ જે હોટેલમાં બે વર્ષ અગાઉથી લગ્ન અને રિસેપ્શનની વ્યવસ્થા કરી હોય અને પ્રસંગના બે દિવસ અગાઉ જ હોટેલ બંધ કરી દેવાયાની જાણ થાય તો શું હાલત થાય? એડમ સેન્ડર્સ અને એમેન્ડા મુલાર્ઝિક સામે આવી જ સ્થિતિ આવી પડતાં તેઓ ભારે પરેશાન થઈ ગયાં હતાં. તેમના જીવનના સૌથી મોટા દિવસની તૈયારીઓ ધ્વસ્ત થતી જણાઈ ત્યારે સાઉથ માર્સ્ટન હોટલ અને એન્ડ લેઝર કલબના છૂટા કરાયેલાં કર્મચારીઓ તેમની મદદે આવ્યા અને મફત કામ કરીને તે પ્રસંગને વધુ યાદગાર બનાવી દીધો હતો.

૩૫ વર્ષના આ કપલે બે વર્ષ અગાઉથી પોતાના લગ્નના આલીશાન જલસા માટે ૪,૨૦૦ પાઉન્ડ ચૂકવી સ્વિન્ડનની સાઉથ માર્સ્ટન હોટલ અને એન્ડ લેઝર કલબમાં વ્યવસ્થા કરી હતી. ૨૦૦થી વધુ મહેમાનોને આમંત્રણ પણ પાઠવી દેવાયું હતું. લગ્નના બે દિવસ પહેલાં જ હોટેલે હાથ અધ્ધર કરી બીજે ક્યાંય વ્યવસ્થા કરવા જણાવી દીધું, પરંતુ તે જ હોટેલના છૂટા કરાયેલા સ્ટાફ મેમ્બર્સે એડમ-એમેન્ડાના લગ્નને યાદગાર બનાવી દીધાં.

એડમ-એમેન્ડાએ આખા પ્રસંગની જવાબદારી સ્વિડનની સાઉથ માર્સ્ટન હોટલ અને એન્ડ લેઝર કલબને સોંપી હતી. રવિવારે તેમનાં લગ્ન હતાં પણ ગુરુવારે જ મેનેજમેન્ટે હોટલ બંધ કરવાનો નિર્ણય જાહેર કરી ૪૫ કર્મચારીને છૂટા કરી ઓગસ્ટનો પગાર નહિ આપવાની પણ ચેતવણી આપી હતી. વાસ્તવમાં, હોટેલ ઓક્ટોબરમાં બંધ થવાની હતી, પરંતુ અચાનક જ વહેલી બંધ કરી દેવાઈ હતી, જેની જાણકારી પણ એડમ-એમેન્ડાને મળી ન હતી.

એડમ લગ્નની તૈયારીઓ પર નજર કરવા હોટલ પહોંચ્યો ત્યારે તેને મોટી સમસ્યા સર્જાયાની ખબર પડી હતી. જોકે, સમય એટલો ઓછો હતો કે અન્યત્ર વ્યવસ્થા કરવી શક્ય ન હતી. છૂટા કરાયેલા ૧૫ કર્મચારીએ ઓડિટર્સને રવિવાર સુધી આ સ્થળ ખુલ્લું રાખવા આજીજી કરી મોડી રાત અને બીજા દિવસની સવાર સુધી કપલ અને મહેમાનો માટે મફત કામ કર્યું હતું.

કર્મચારીઓના પ્રેમ અને દયાનો બદલો વાળવાની ભાવનાથી બે બાળકોના પેરન્ટ સેન્ડર્સ દંપતીએ મહેમાનો સમક્ષ કલેક્શન બાસ્કેટ ફેરવી ૭૫૦ પાઉન્ડ એકત્ર કર્યા હતા. એડમ સેન્ડર્સે એક સપ્તાહના ઓવરટાઈમની રકમ ઉમેરી ૧,૦૦૦ પાઉન્ડ સ્ટાફને મદદ તરીકે આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter