હોટેલ બહાર શંકાસ્પદ પેકેટ મળતા અફરાતફરી મચી ગઈ

Wednesday 16th June 2021 06:08 EDT
 

કોર્નવોલ,લંડનઃ જી-૭ દેશોની શિખર પરિષદ ભરાવાની હતી તે કાર્બિસ બે હોટેલથી થોડા અંતરે આવેલી હોટેલમાં બોંબનું શંકાસ્પદ પેકેટ મળી આવતા અફરાતફરી મચી ગઈ હતી. વહેલી સવારે ૧૦૦ જેટલા મહેમાનોને ઊંઘમાંથી જગાડી સલામત સ્થળે લઈ જવાયા હતા. જોકે, પાછળથી આ ‘શંકાસ્પદ’ પેકેટ ભયજનક નહિ હોવાનું જણાયું હતું અને મહેમાનોને પોતાના રુમ્સમાં જવા દેવાયા હતા.

કોર્નવોલમાં G7 હોટેલની બહાર ૧૦ જૂન ગુરુવારે શંકાસ્પદ પેકેટ મળી આવતા તમામ મહેમાનોને તત્કાળ ખસેડી લેવાયા હતા. કોર્નવોલના કાર્બિસ બે ખાતે શિખર પરિષદ યોજાવાની હતી ત્યાં ૧૧,૦૦૦ પોલીસ ઓફિસર્સ અને મિલિટરી જવાનોએ પોલાદી સુરક્ષાભરડો લગાવી દીધો છે. ફાલમાઉથ હોટેલ ખાતે વહેલી સવારના પાંચ વાગ્યે બારણા ઠોકી મહેમાનોને જગાડવામાં આવ્યા હતા. તેમને તત્કાળ બિલ્ડિંગ ખાલી કરી કરી હોટેલના કાર પાર્કિંગમાં એકત્ર થવાની સૂચના અપાઈ હતી. હાથમાં આવ્યા તે વસ્ત્રો પહેરી ૧૦૦ જેટલા મહેમાન કાર પાર્કિંગ પહોંચ્યા તેની થોડી વાર પછી તેમને વધુ ૨૦૦ યાર્ડના અંતરે અન્ય કાર પાર્કિંગમાં પહોંચી જવા જણાવાયું હતું. જી-૭ નેતાઓ મળવાના હતા તે કાર્બિસ બે હોટેલથી આ ફાલમાઉથ હોટેલ માત્ર ૩૦ મિનિટના અંતરે હતી.

પોલીસે હોટેલમાં ધસી આવી બગીચા અને ઝાડીઝાંખરાને હેડટોર્ચથી બરાબર તપાસ્યા હતા. જોકે, ડેવોન એન્ડ કોર્નવોલ પોલીસે જણાવ્યા મુજબ હોટેલની બહારથી મળેલું પેકેજ નુકસાનકારક ન હોવાનું જણાયું હતું પરંતુ, થોડી વાર માટે તો બધાના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ડિટેક્ટિવોએ આ મુદ્દે ક્રિમિનલ તપાસ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter