હોન્ડા કંપની કાર પ્લાન્ટ બંધ કરશેઃ બ્રિટિશ કાર ઉદ્યોગને આંચકો લાગ્યો

Wednesday 06th March 2019 02:26 EST
 
 

લંડનઃ બ્રિટનના વિલ્ટશાયરમાં હોન્ડા કારનો પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત ગત ૧૯ ફેબ્રુઆરીએ થઈ છે. તેના કારણે ૩૫૦૦ નોકરીઓ સમાપ્ત થઈ જશે. બ્રિટનના ટ્રેડ સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે આ ઘટનાક્રમને ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક ગણાવ્યો છે. ૧૦૫ બિલિયન ડોલરનું ટર્નઓવર અને ૧૮૬,૦૦૦ કર્મચારી સાથે કાર ઇન્ડસ્ટ્રીનો નિકાસમાં ૧૨ ટકા હિસ્સો છે.

જાપાની કારનિર્માતા નિસાને લેટેસ્ટ એક્સ-ટ્રેલ એસયુવીનું પ્રોડકશન જાપાનમાં કરવાની જાહેરાત કરી છે. ફોર્ડે બ્રિગેન્ડ, વેલ્સમાં એન્જીન પ્રોડકશનમાં કાપ મુક્યો છે. જાન્યુઆરીમાં બ્રિટનની સૌથી મોટી કારનિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે ૪૫૦૦ નોકરીઓમાં કાપ મુકવાને સમર્થન આપ્યું હતું. ટાયર નિર્માતા મિશેલિને ૨૦૨૦ સુધીમાં ડંડીસ્થિત ફેક્ટરી બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કારના સ્પેરપાર્ટ્સ ઉત્પાદક જર્મન કંપની સ્કેફલર વેલ્સસ્થિત બે કારખાના બંધ કરવાની તૈયારીમાં છે. વર્ષ ૨૦૧૮માં બ્રિટનની કાર ઇન્ડસ્ટ્રીમાં આંતરિક મૂડીરોકાણ અડધું રહી ગયું છે.

આ નિર્ણયોમાં બ્રેક્ઝિટની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. બ્રિટને ઇયુમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી ત્યારથી જ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીએ આવનારી સમસ્યાઓ અંગે અવાજ ઉઠાવ્યો હતો. ઇયુ સાથે છેડો ફાડવાથી બ્રિટનના ઉદ્યોગોને જોરદાર ફટકો પડી શકે છે. હોન્ડા ૧૯૮૯થી સ્વિંડનમાં કાર બનાવે છે. નિસાન, જેએલઆરની માફક તેણે પણ યુરોપમાં સપ્લાય ચેન બનાવી રાખી છે. જો ઈયુ સાથે કોઈ સમજૂતી નહિ થાય તો ઘણી મુશ્કેલીઓ થશે. કાર નિર્માતાઓ ઈયુમાં નિકાસ પર લાગતા કરો સામે પણ ચિંતિત છે, જે કારો પર સરેરાશ ૧૦ ટકા અને સ્પેરપાર્ટસ પર ૪.૫ ટકા છે. નિસાને પણ એક્સ-ટ્રેલના નિર્ણયનું કારણ બ્રેક્ઝિટ હોવાનું કહ્યું હતું. જાપાન અને ઈયુ વચ્ચે મુક્ત વેપારસંધિ હોવાથી આયાત ટેરિફ શૂન્ય રહી જશે. જે હોન્ડા માટે લાભકારી બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter