લંડનઃ હોમ ઓફિસના ઇમિગ્રેશન ડેટાબેઝમાં ગંભીર ખામીઓના કારણે 76,000 કરતાં વધુ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ડેટાબેઝમાં નામ, ફોટોગ્રાફ અને ઇમિગ્રેશન સ્ટેટસમાં ભૂલો હોવાનો લીક થયેલા દસ્તાવેજોના આધારે દાવો કરાયો છે. તાજેતરમાં જ હોમ ઓફિસની ઇમિગ્રેશન એપ્લિકેશન પ્રોસેસમાં વિલંબ, બોર્ડર પર લાંબી કતારો અને ખોટાં ઓળખપત્રોની વહેંચણી માટે આકરી ટીકા કરવામાં આવી હતી.
જોકે હોમ ઓફિસ ડેટાબેઝમાં રહેલી આ ખામીઓ પર મૌન સેવી રહી છે. આ ખામીઓ માટે આઇટી સિસ્ટમ જવાબદાર હોવાનો આરોપ મૂકાયો છે પરંતુ સરકાર કહે છે કે બોર્ડર અધિકારીઓ અને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ટૂલ એટલાસમાં કોઇ ખામી નથી.
જોકે લીક થયેલા દસ્તાવેજોના આધારે દાવો કરાયો છે કે વ્યાપક બનેલી આ સમસ્યા છૂપાવવા માટે હોમ વિભાગ દ્વારા પ્રયાસો કરાયાં છે. આ ખામીના કારણે લોકોની માહિતી એકબીજામાં ભળી જાય છે. તેના કારણે એક વિચિત્ર ઓળખ ઊભી થાય છે. આ ખામીઓના કારણે ઘણા લોકોની બાયોગ્રાફિકલ અને બાયોમેટ્રિક માહિતી એકબીજાની સાથે લિન્ક થઇ જાય છે તેના પગલે તેઓ તેમના કામ કરવાના અધિકાર, મકાન ભાડે રાખવા અથવા તો એનએચએસ ખાતે મફત સારવાર માટે પોતાને પૂરવાર કરી શક્તાં નથી.
સરકારના સૂત્રોએ જણાવ્યુંછે કે આ મામલામાં ઇન્ફર્મેશન કમિશ્નરની ઓફિસ તપાસ કરી રહી છે.