લંડનઃ હોમ ઓફિસની કેરમાં રહેતા રાજ્યાશ્રયવાંચ્છુઓ પર પ્રતિ દિન 10 હુમલા નોંધાતા હોવાનું સરકારી આંકડામાં જાણવા મળ્યું છે. જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2024 વચ્ચે રાજ્યાશ્રયવાંચ્છુઓ પર 5960 હુમલા નોંધાયા હતા. આજ સમયગાળામાં 380 હેટ ક્રાઇમ પણ નોંધાયા હતા.
ફ્રીડમ ઓફ ઇન્ફર્મેશન અંતર્ગત મળેલી માહિતી અનુસાર હોમ ઓફિસને તેની કેરમાં રહેલા 11,547 માઇગ્રન્ટ ટ્રાફિકિંગનો શિકાર બન્યાં હતાં અને 4686 પર અત્યાચાર ગુજારાયા હતા. ચેરિટી કેરફોરકેલેઇસના સીઇઓ સ્ટીવ સ્મિથે જણાવ્યું હતું કે, આ આંકડા ચોંકાવનારા છે પરંતુ મને તેનાથી આશ્ચર્ય થયું નથી.અમારા સ્થાનિક ગ્રુપ આ મામલામાં હોમ ઓફિસ અને તેના કોન્ટ્રાક્ટરો સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે.
જોકે આ આંકડા અંદાજ કરતાં ઘણા ઓછા હોવાની સંભાવના છે કારણ કે ઘણા લોકો તેમના અસાયલમ ક્લેઇમને નુકસાન ન થાય તે માટે ફરિયાદ કરવાનું ટાળે છે અથવા તો તેમનો આરોપ છે કે ફરિયાદ કર્યાં છતાં સરકાર દ્વારા કોઇ પગલાં લેવાતાં નથી.