લંડનઃ સરકારી કામકાજ દરેક સ્થળે લગભગ એક જ ઢબે થતું હોય છે. યુકેમાં હોમ ઓફિસે લાંબા સમયથી બ્રિટિશ નાગરિક બનેલા કેટલાક લોકોને તેમનું ઈમિગ્રેશન સ્ટેટસ જણાવવાની સૂચના આપતા પત્રો પાઠવ્યા છે. આ સાતે ચેતવણી પણ આપી છે કે છ સપ્તાહમાં બ્રિટિશ નાગરિકતા માટે અરજી નહિ કરો તો કામ કરવાના અધિકાર, બેનિફિટ્સ અને મફત આરોગ્યસંભાળના લાભો ગુમાવશો.
કેમ્પેઈનર્સનું કહેવું છે કે હજારો લોકોને જૂનના અંત પહેલા ઈયુ સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની સૂચના આપતા પત્રો મોકલાયા છે તે હોમ ઓફિસના ડેટાબેઝની નબળાઈ તેમજ યુકેમાં રહેવાનો અધિકાર કોની પાસે છે તે બાબતે બ્યુરોક્રેટિક સ્પષ્ટતાનો અભાવ દર્શાવે છે. ઘણા લોકોએ પત્રમાં ઉપયોગ કરાયેલા શબ્દો સામે પણ વાંધો દર્શાવ્યો છે. પત્રમાં એમ પણ જણાવાયું છે કે જો તમે બ્રિટિશ નાગરિકત્વ અથવા ઈયુ સેટલ્ડ દરજ્જો ધરાવતા હો તો પત્રની અવગણના કરશો. જો કોઈ ગૂંચવાડો જણાય તો હેલ્પલાઈનને ફોન કરવાની સૂચના પણ અપાઈ છે.
યુકેમાં ૪૦ કરતાં વધુ વર્ષથી વસતા સંખ્યાબંધ લોકોને આ પત્ર ખોટી રીતે મોકલાયો છે જેમાં જણાવાયું છે કે, ‘યુનાઈટેડ કિંગ્ડમ હવે યુરોપિયન યુનિયન (EU)માંથી બહાર નીકળ્યું છે. આથી, ૩૦ જૂન ૨૦૨૧ પછી યુકેમાં રહેવાનું યથાવત રાખવા માટે તમારા અને તમારા પરિવારના સભ્યો પાસે યુકે ઈમિગ્રેશન સ્ટેટસ હોવું જરુરી છે.’ આવા પત્ર મેળવનારા નાગરિકોમાં મૂળ જર્મનીના અને ૫૦થી વધુ વર્ષથી બ્રિટિશ નાગરિક રહેલા ૮૨ વર્ષીય મેરિયન હોવાર્ડ, મૂળ ઝેકોસ્લોવેકિયાના અને ૧૯૮૭માં બ્રિટિશ નાગરિકત્વ મેળવનાર સ્ટ્રક્ચરલ એન્જિનીઅર જ્યોર્જ સ્મિડ, મૂળ પોલાન્ડના અને ૪૦ વર્ષ અગાઉ બ્રિટિશ નાગરિકત્વ મેળવી ૩૩ વર્ષ NHSમાં ડોક્ટરની ફરજ બજાવનારા ઈસાબેલા મૂર, ઝેક પાસપોર્ટ ધરાવતા અને ૩૬ વર્ષ અગાઉ યુકેના નેચરાલાઈઝ્ડ નાગરિક બનેલા જાન કુલિક તેમજ મૂળ પોલાન્ડના અને ૪૦ વર્ષથી બ્રિટિશ નાગરિક રહેલા આર્કિટેક્ટ ઈવા એપોલો-ક્રોશોનો પણ સમાવેશ થાય છે.
આ બ્રિટિશ નાગરિકો એ બાબતે પણ દુઃખી છે કે દાયકાઓથી બ્રિટિશ નાગરિક હોવાં છતાં, હોમ ઓફિસના ડેટાબેઝમાં તેઓ વિદેશી જ છે. આવા નાગરિકોના સંતાનોના જન્મ પણ યુકેમાં થયા છે અને તેમની ઉંમર પણ ૩૦ વર્ષથી વધુ છે. આ પત્રો મેળવી ઘણા લોકો ખરેખર ગભરાઈ ગયા છે. ઘણાને તો એક સપ્તાહમાં બે પત્ર મળ્યા છે. બ્રિટનમાં ૧૪ વર્ષ રહીને સેટલ્ડ સ્ટેટસની અરજી કર્યા પછી ગયા વર્ષે જ તેને માન્ય રખાવા છતાં, એક મહિલાને આવો પત્ર મળ્યો છે.